અમદાવાદ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી બે દિવસ યલો એલર્ટની આગાહી,લઘુતમ તાપમાનમાં 7 ડિગ્રીનો કડાકો

સોમવાર, 10 જાન્યુઆરી 2022 (10:41 IST)
ગુજરાતમાં આગામી બે દિવસમાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે.હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે. ગત રાત્રિએ અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10  ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 6.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં 7 અને અમદાવાદમાં 9.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
હવામાન વિભાગે બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હવે ઉત્તરાયણના આડે પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉત્તરાયણના બે દિવસમાં ગુજરાતીઓ બરાબરના ઠૂંઠવાશે. કાતિલ ઠંડીના કારણે લોકોને સવારના સમયે પતંગ ચગાવવાની મજા નહીં આવે. જેવી ઉત્તરાયણ પુરી થશે એટલે ફરીવાર 16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી બે દિવસ દરમિયાન  કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાશે.
 
9 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો
અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. ઠંડા પવનની અસરથી અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચી ગયો હતો. શહેરમાં ફરી એકવાર 9.1 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 24.8 અને લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ, ઠંડા પવનની અસરને કારણે રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 7 ડિગ્રી ગગડીને 9.1 ડિગ્રીએ પહોંચતાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો થયો હતો. રાજ્યના દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં અન્ય શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
છેલ્લે ગુજરાતના 16 તાલુકામાં માવઠું થયું
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના 16 તાલુકામાં માવઠું પડયું હતું. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ 1.5 ઈંચ, ભાણવડ-પોરબંદરમાં 1 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-પોરબંદરના રાણાવાવ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્યત્ર જામનગરના લાલપુર-જામજોધપુર-કાલાવડ, ભરૂચના નેત્રંગ, તાપીના કુકરમુંડા, બનાસકાંઠાના થરાદ, કચ્છના મુન્દ્રા-માંડવી, પોરબંદરના કુતિયાણા, નર્મદાના ગરુડેશ્વરમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. છેલ્લા 3 દિવસ દરમિયાન વિશેષ કરીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર રહી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર