રાજ્યમાં આગામી ચાર દિવસ માવઠાની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડ્યો, ખેડૂતોને પાક બગડવાની ચિંતા

ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (10:12 IST)
રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે બુધવારે સાંજથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ક્યાંક વરસાદ તો ક્યાંક હળવું ઝાપટું પડ્યું હતું.

અમદાવાદમાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો.બીજી તરફ સૌરા ષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે માવઠાની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ હળવો પવન ફુંકાયો હતો. જેને લઈને ડુંગરાળ વિસ્તાર વિજયનગર પંથકમાં ઠંડીનું પ્રમાણ એકાએક વધી ગયુ હતુ. સાથો સાથ તાલુકાના કેટલાક સ્થળે વરસાદનું ઝાપટુ પડવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉ.ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે પાટણ અને શંખેશ્વરમાં હળવું ઝાપટું પડ્યું હતું.

બુધવારે દિવસભર ધૂંધળા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન સાડા 3 ડિગ્રી સુધી વધતાં સવારનું તાપમાન 18 ડિગ્રી, જ્યારે ગરમીનો પારો સાડા 4 ડિગ્રી સુધી ઘટતાં દિવસનું તાપમાન 23 થી 24 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે રહે છે. પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદની સ્થિતિ બનતાં સામાન્ય કરતાં ઠંડીનો પારો 10 ડિગ્રી વધુ રહ્યો છે.બુધવારે સાંજના સમયે રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.જે સતત 5 થી 10 મિનિટ સુધી ચાલુ રહ્યા હતા. જેને કારણે રોડ- રસ્તા ભીના થઈ ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાવરફુલ હોવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે અને કાલે એમ બે દિવસ સુધી ઉત્તર સૌરાષ્ટ્રમાં માવઠું થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી- માળિયા અને કચ્છમાં વરસાદ આવશે.

હાલમાં વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.રાજ્યમાં 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. તથા 11 જાન્યુઆરી બાદ 3થી 5 ડિગ્રી તાપમાન ગગડશે. જેમાં રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે. જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. તેમજ 5 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તથા 5 દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે.આવી સ્થિતિમાં ઘાસચારો અને ખેતીપાક બગડવાની ચિંતા પણ કિસાનોએ જણાવી હતી. તો માંડવી તાલુકાના ગઢશીશા સહિતના ગામોમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને વરસાદ પડયો હતો. દરમિયાન, કંડલા બંદરમાં લઘુતમ 18, મહત્તમ 23.1 અને કંડલા એરપોર્ટમાં 18.2 અને 23 ડિગ્રી નોંધાઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર