Gujarat Corona Upadate - ગુજરાતમાં 24 કલાકમાં 3350 નવા કેસ, ઓમિક્રોનના 50 નવા કેસ, અનેક ગુજરાતી કલાકારો કોરોના પોઝિટીવ

બુધવાર, 5 જાન્યુઆરી 2022 (21:28 IST)
ગુજરાતમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે જોતા રાજ્ય સરકારની ઉંઘ હરામ થઈ રહી છે  નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસ કુદકે ને ભુસકે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ નોંધાયા. આ  પહેલા 29 મેના રોજ 2230 કેસ હતા. અમદાવાદમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1660 કેસ નોઁધાયા હતા. બીજી તરફ આજે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. આજે રાજ્યમાં 50 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેમા 34 કેસ તો માત્ર અમદાવાદના જ છે. સાથે જ હવે ગુજરાતી કલાકારો પણ કોરોનાગ્રસ્ત થયા છે. મિત્ર ગઢવી, હેમાંગ દવે, રોનક કામદાર, દીક્ષા જોશી, પાર્થ ઓઝાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
 
 કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો 
 
રાજ્યમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. જાન્યુઆરી મહિનાના માત્ર 5 જ દિવસમાં કોરોનાના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમરેલીમાં કોરોનાથી એકનું મોત નોંધાયું છે. જ્યારે 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. એ અગાઉ 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. તો 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું.
 
10994 એક્ટિવ કેસ અને 32 દર્દી વેન્ટિલેટર પર
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 40 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 126 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 523 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10994 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 10962 દર્દીની હાલત સ્થિર છે.
 
ઓમિક્રોનના 50 નવા કેસ 
 
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં માત્ર 2 જ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ આજે એક જ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 50 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 34 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 204 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે 112 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર