દેશને હરિયાળા બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત દેશને રાહ ચીંધશે, ૬.૫ કરોડ રોપાનું વાવેતર પૂર્ણ

ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (17:26 IST)
દેશને હરિયાળા બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવા ગુજરાત દેશને રાહ ચીંધશે, ૬.૫ કરોડ રોપાનું વાવેતર પૂર્ણ
અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે દેશને હરિયાળો બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે એ સંકલ્પને મૂર્તિમંત કરવા માટે ગુજરાત દેશને નવો રાહ ચીંધશે. રાજ્ય સરકારે ૧૦ કરોડ વૃક્ષોના વાવેતર માટેનો સંકલ્પ કર્યો હતો તે પૈકી ૬.૫ કરોડ રોપાઓનું વાવેતર થઇ ગયું છે. બાકીના રોપાનું વાવેતર આગામી સમયમાં પૂર્ણ કરાશે.
 
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જંગલની જમીનની અન્ય પ્રજાકીય જરૂરી હેતુઓ માટે ફાળવણી સામે વળતર વનીકરણની કેન્દ્ર સરકારના કેમ્પા ફંડમાં જમા કરાવવાની હોય છે એ રકમ કેન્દ્ર સરકાર દ્વારા નિયમોનુસાર વિવિધ રાજ્યોને ૯૦ % લેખે પરત કરવાની હોય છે. ગુજરાત સરકારે પોતાની જમા થયેલ રકમ પૈકીના રૂ.૧૫૦૦ કરોડ વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ ફાળવી દીધા છે. આ રકમનો ચેક આજે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશભાઇ જાવડેકરના હસ્તે રાજ્યના વન મંત્રી ગણપતસિંહ વસાવા સ્વીકારશે. ગુજરાત સરકારને આટલી મોટી રકમ વન વિસ્તારને વધારવા માટે ફાળવવા બદલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.
 
નીતિન પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૯-૧૦ થી ગુજરાત સરકારની રૂ.૨૨૯૧.૨૧ કરોડની રકમ કેમ્પા ફંડમાં જમા થઇ હતી તે પૈકી તબક્કાવાર ગુજરાતને અત્યાર સુધી રૂ.૫૫૭.૪૯ કરોડની રકમ ફાળવવામાં આવી છે. કુલ રકમના ૯૦ % લેખે રાજ્ય સરકારને ફાળવવાના થતાં નાણા પૈકી આ રૂ.૧૫૦૦ કરોડ એક સાથે ફાળવવામાં આવ્યાં છે. જેના દ્વારા રાજ્યને હરીયાળુ બનાવવા તથા વનરાજી બનાવવા માટેના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરાશે.
 
આ કેમ્પા ફંડમાંથી આગામી સમયમાં વળતર વનીકરણ, સાંસ્કૃતિક વન ભૂમિ અને ભેજ સંરક્ષણના કામો મોડલ પ્લોટ, બોડા ડુંગરને હરીયાળા બનાવવાના કામો, મોટા રોપાઓ તૈયાર કરવા માટે નર્સરી અને શહેરી વનીકરણ, વાંસના વાવેતર, સોલાર પંપ, ભારત વન, બીજ ઉત્પાદન વિસ્તાર વધારવા, આરોગ્ય વન માટેના કામો હાથ ધરાશે ઉપરાંત આદિવાસી વિસ્તારમાં રોજગારનું પ્રમાણ વધે તે માટે પણ વિવિધ પ્રોજેક્ટો અમલમાં મુકાશે. આ ઉપરાંત વન્ય પ્રાણીના સંરક્ષણ અને રહેણાંક વિસ્તારના કામો હાથ ધરાશે.
 
રાજ્યના એશિયાટીક સિંહોના રક્ષણ માટે વન વિસ્તારના સિંહોની અવર-જવર માટે જે કુવાઓ છે તેની ફરતે દિવાલો બનાવવામાં આવશે. ખેડૂતોના જે ખુલ્લા કુવાઓ છે તે પૈકી ૩૬૦૦૦ કુવાઓમાં સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવી છે અને ૬ હજાર બાકી છે. તે આગામી સમયમાં પૂર્ણ કરી દેવાશે. વૃક્ષોના જતન માટે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસો થઇ રહ્યાં છે ત્યારે રાજ્યના સૌ નાગરિકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પણ યથા યોગ્ય સહયોગ આપે તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
 
વન મંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમેર્યુ કે, દેશમાં ૩૩ % જેટલું વન હોવુ જોઇએ તેની સામે ૨૪ % જ વન છે. તે માટે વડાપ્રધાનાશ્રીએ જે સંકલ્પ કર્યો છે તેને ગુજરાત ચોક્કસ પરિપૂર્ણ કરશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કે જ્યા વરસાદ વધુ છે ત્યા વન વિસ્તારમાં વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા થયેલ સર્વે મુજબ દક્ષિણ ગુજરાતમાં ૪૫૦ ચો.કિ.મી. જેટલો વન વિસ્તાર છે તેમાં પણ વધારો થયો છે તે જ રીતે વન વિસ્તાર બહાર સામાજીક વનીકરણ વિસ્તાર યોજના હેઠળ અગાઉ વૃક્ષોની સંખ્યા ૨૩ કરોડ હતી તે વધીને હાલ ૩૩ કરોડથી વધુ થઇ જવા પામી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર