ચૂંટણીના પરિણામના ત્રણ સપ્તાહ પછી પણ સોગંદવિધિ કાર્યક્રમની રાહ જોતા નવા ધારાસભ્યો

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (13:23 IST)
ગુજરાત વિધાનસભાનું પરિણામ આવ્યાને ત્રણ સપ્તાહનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતાં હજુ સુધી ચૂંટાયેલા નવા ધારાસભ્યોની શપથવિધિ કયારે થશે તેની તારીખ નક્કી કરી શકાઇ નથી. તે સાથે વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બનશે તે અંગે પણ હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જેને લઇને ધારાસભ્યો સહિતના રાજકીય વર્તુળમાં અનેક અટકળો થઇ રહી છે. જો કે વડોદરાને મહત્વનું પ્રતિનિધિત્વ મળેલું દેખાય અને એડવોકેટ હોવાનો પણ લાભ મળે તે માટે રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ પદે ફાઇનલ થઇ શકે છે.  એકતરફ વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને તેમાં ધારાસભ્યો દ્વારા તેમના મત વિસ્તારને લગતા કે સરકારી યોજના-કામકાજને લગતા પ્રશ્નો પૂછી શકે તે માટે તેમની શપથવિધિ અને તે માટે વિધાનસભા સત્ર કયારે મળશે તેની રાહ જોઇને બેઠા છે. મંગ‌ળવારે સચિવાલય ખાતે આવેલા અનેક ધારાસભ્યોએ પણ શપથવિધિ માટે કયારે બોલાવશે તેની પૃચ્છા કરી હતી પરંતુ તેમને કોઇ નક્કર જવાબ મળ્યો ન હતો. ૧૮મી ડિસેમ્બરે પરિણામ આવ્યા પછી હજુ સુધી કયારે શપથવિધિ યોજાશે તેની તારીખ નક્કી થઇ નથી. ૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહુની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વહિવટી તંત્ર તેમાં વ્યસ્ત થઇ રહ્યું છે. તે સાથે અધ્યક્ષ તરીકે નિમાબહેન આચાર્યનું નામ પહેલા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોવાનું મનાતું હતું. જો કે જે રીતે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે અને ભાજપ પાસે પ્રથમવખત સો કરતા ઓછી બેઠકો છે ત્યારે હવે અન્ય નામ પર વિચારણા શરૂ થઇ ગઇ છે. જેમાં પક્ષની પહેલી પસંદ એડવોકેટ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીની છે. રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાય તો તે પદ મોટુ હોવાથી વડોદરાને પ્રતિનિધિત્વ મળ્યું નથી તેનું મ્હેણું પણ ભાંગી શકાય તેમ છે. તે સાથે તેઓ એડવોકેટ હોવાથી પ્રથમ વખત અધ્યક્ષ બનતા હોવા છતાં સંસદિય નિયમોને પણ ઝડપથી સમજી શકે તેનો ફાયદો થઇ શકે છે. તેમની સાથે અન્ય નામ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.  ધારાસભ્યોની શપથ વિધિ માટે વિધાનસભા સત્ર અને અધ્યક્ષની પસંદગી પર મહોર મારવા માટે ટૂંક સમયમાં ભાજપ સરકારના મોવડીઓની એક બેઠક યોજાશે. જેમાં બન્ને મુદ્દા પર નિર્ણય લેવામાં આવશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર