ગુજરાતના પોલીસ અધિકારી હોટલમાં મહિલા પોલીસકર્મીઓ સાથે પાર્ટી કરતા પકડાયા

ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (10:01 IST)
અમદાવાદ: ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં રેવ પાર્ટી પર દરોડા દરમિયાન ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારી અને નવ મહિલા પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો ગુજરાતના છે. રેવ પાર્ટી દરમિયાન પોલીસે ખાનગી હોટલમાં દરોડો પાડી આ કાર્યવાહી હાથ ધરી હતી.
 
પોલીસે તમામ 24 લોકોની ધરપકડ કરી છે. રેવ પાર્ટીમાં પકડાયેલા ગુજરાતના ટોચના પોલીસ અધિકારી દીપક હરીશભાઈ ભટ્ટ ગુજરાત CID ક્રાઈમમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે તૈનાત છે.
 
રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારના ખમણેર ગામ પાસે શાહીબાગની એક હોટલમાં સ્થાનિક પોલીસ દ્વારા રેવ પાર્ટી દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર દીપક ભટ્ટ અને ગુજરાત CID ક્રાઈમના નવ મહિલા પોલીસકર્મીઓ સહિત કુલ 24 લોકો દારૂ પીતા ઝડપાયા છે.
 
ખમણેરમાં યોજાયેલી પાર્ટીમાં જેમની ધરપકડ કરાઈ છે તેમાં હોટેલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ (જૂની બાવલ, નીમજ મધ્ય પ્રદેશ), સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ (ઓફિસર બંગલો, આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત  9 મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
 
આ સંદર્ભે માહિતી આપતા ખમણેર પોલીસ ઇન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસે દરોડા દરમિયાન હોટલના રૂમમાંથી બિયર અને દારૂના ત્રણ કાર્ટન પણ જપ્ત કર્યા છે. પોલીસને સમજાવ્યા બાદ પણ નશામાં ધૂત લોકોએ હોબાળો મચાવ્યો હતો. પરિણામે, રાજસ્થાન પોલીસે શાંતિ ભંગના આરોપમાં તમામ 24ની ધરપકડ કરી છે. પોલીસે હોટલ મેનેજરની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા મોટાભાગના લોકો ગુજરાતના છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર