ગુજરાત સરકાર રૂા.5000 કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ રજુ કરે તેવા સંકેત

શનિવાર, 30 મે 2020 (17:07 IST)
ગુજરાતમાં કોરોનાના વધતા કેસ છતાં પણ હવે સામાજીક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃતિને વેગવાન બનાવવાના નિર્ણયમાં હવે રાજય સરકાર દ્વારા રૂા.5000 કરોડનું આત્મનિર્ભર ગુજરાત પેકેજ રજુ કરે તેવા સંકેત છે. કોરોનાના કારણે રાજયનું અર્થતંત્ર અસ્તવ્યસ્ત અને કૃષી વ્યાપાર-રોજગારને મોટી અસર થઈ છે. રાજય સરકાર દ્વારા આ અંગે આગામી સમયનો આર્થિક રોડમેપ નિશ્ચિત કરવા માટે પુર્વ કેન્દ્રીય નાણા સચિવ હસમુખ અઢીયાના અધ્યક્ષપદ હેઠળ એક કમીટી નિયુક્ત કરી હતી. તેની વચગાળાની ભલામણો સરકાર પાસે આવી ગઈ છે અને તેના આધારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકારના ટોચના અધિકારીઓ સાથે એક ઉચ્ચ કક્ષાની બેઠકનું આયોજન કર્યુ હતું અને તેમાં આ પેકેજની રૂપરેખા નિશ્ચિત થઈ છે. ટોચના રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ અઢીયા કમીટીના રીપોર્ટ મુજબ સરકાર દરેક ક્ષેત્રને સમાવી લેતું એક સર્વગ્રાહી આર્થિક પેકેજ જારી કરનાર છે. જેમાં પંચાયત, ગ્રામ્ય વિકાસ, ઉર્જા પેટ્રો કેમીકલ, લેબર વિ. ક્ષેત્રો, ઉદ્યોગ, વ્યાપાર, કૃષિને પણ આવરી લેવાશે. આ પેકેજમાં સીધી વ્યાજ સબસીડી અને વ્યાપાર-ઉદ્યોગને કરવેરા રાહત વિ.નો સમાવેશ થશે અને તે એકંદરે રૂા.5000 કરોડનું હશે. રાજયના નાણામંત્રી તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે એક વાતચીતમાં આ પેકેજ સર્વગ્રાહી હશે તેવો સંકેત આપતા ઉમેર્યુ કે, આગામી સમયમાં ગુજરાતના વ્યાપાર ઉદ્યોગને ધમધમતો કરવાનો અમારો વ્યુહ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર