ગુજરાતના નેતાઓને જનતાની નહીં, દિલ્હીના નેતાની ચિકન સેન્ડવિચની ચિંતા છે,' હાર્દિકે કૉંગ્રેસમાંથી રાજીનામું આપતાં શું કહ્યું?

બુધવાર, 18 મે 2022 (15:33 IST)
છેલ્લાં લગભગ ત્રણ વર્ષોમાં મેં અનુભવ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે.' આ શબ્દો છે કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા હાર્દિક પટેલના.
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ હાર્દિક પટેલે કૉંગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમણે કૉંગ્રેસના શિર્ષ નેતૃત્વ પર સીધા પ્રહારો કર્યા છે. છેલ્લા કેટલાય સમયથી કૉંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
 
હાર્દિકે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી પક્ષ અને કાર્યકારી અધ્યક્ષપદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
 
 
હાર્દિકે કૉંગ્રેસ પર કેવા આરોપ લગાવ્યા?
ટ્વિટર પર રાજીનામું આપતાં હાર્દિક પટેલે કૉંગ્રેસ પર કેટલાક આરોપો લગાવ્યા હતા.તેમણે આરોપ લગાવ્યો કે, "આ 21મી સદી છે અને ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશના યુવાનો એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે.
 
છેલ્લાં લગભગ ત્રણ વર્ષોમાં મેં અનુભવ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ છે. જ્યારે દેશના લોકોને વિરોધ નહીં એક એવો વિકલ્પ જોઈએ છે, જે તેમના ભવિષ્ય વિશે વિચારતો હોય, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખતો હોય.
 
અયોધ્યમાં ભગવાન શ્રીરામનું મંદિર હોય, CAA-NRCનો મુદ્દો હોય, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હઠાવવાની હોય અથવા GST લાગુ કરાવનો નિર્ણય હોય, દેશ લાંબા સમયથી તેનું સમાધાન ઇચ્છતો હતો અને કૉંગ્રેસ પાર્ટી માત્ર તેમાં અડચણ બનવાનું કામ કરતી રહી.
 
ભારત દેશ હોય, ગુજરાત હોય કે મારો પટેલ સમાજ હોય, દરેક મુદ્દા પર કૉંગ્રેસનું સ્ટેન્ડ માત્ર કેન્દ્ર સરકારના વિરોધ કરવા સુધી સીમિત રહ્યું. કૉંગ્રેસને લગભગ દરેક રાજ્યમાં જનતાએ એટલા માટે નકારી દીધી કારણ કે કૉંગ્રેસ પાર્ટી અને પાર્ટીનું નેતૃત્વ જનતા સમક્ષ એક બેઝિક રોડમેપ પણ પ્રસ્તુત ના કરી શક્યું.
 
કૉંગ્રેસ પાર્ટીના શિર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દા પ્રત્યે ગંભીરતા ન હોવી એક મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીના શિર્ષ નેતૃત્વને મળ્યો તો લાગ્યું કે નેતૃત્વનું ધ્યાન ગુજરાતના લોકો અને પાર્ટીની સમસ્યાઓને સાંભળવાને બદલે પોતાના મોબાઇલ અને બીજી બધી વસ્તુઓ પર રહ્યું.
 
જ્યારે પણ દેશ સંકટમાં હતો અથવા કૉંગ્રેસને નેતૃત્વની સૌથી વધારે જરૂર હતી, તો અમારા નેતા વિદેશમાં હતા. શિર્ષ નેતૃત્વનું વર્તન ગુજરાત પ્રત્યે આવું છે, જાણે કે ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે તેમને નફરત હોય. એવામાં કૉંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે કે ગુજરાતના લોકો તેને વિકલ્પની રીતે જુએ?
 
દુખ થાય છે, જ્યારે અમારા જેવા કાર્યકર્તા પોતાની ગાડીથી પોતાના ખર્ચે દિવસમાં 500-600 કિલોમિટર સુધીની યાત્રા કરે છે, જનતા વચ્ચે જાય છે અને પછી જુએ છે કે ગુજરાતના મોટા નેતાઓ તો જનતાના મુદ્દાથી દૂર માત્ર એ વાત પર ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમય પર મળી છે કે નહીં.
 
યુવાનોની વચ્ચે હું જ્યારે પણ ગયો તો બધાએ એક જ વાત કહી કે તમે આવી પાર્ટીમાં કેમ છો, જે દરેક રીતે ગુજરાતીઓનું માત્ર અપમાન કરે છે, પછી તે ઉદ્યોગનું ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય.
 
મને લાગે છે કૉંગ્રેસ પાર્ટીએ યુવાનોનો પણ ભરોસો તોડ્યો છે, જેથી આજે કોઈ પણ યુવાન કૉંગ્રેસ સાથે દેખાવા પણ માગતો નથી.
 
મારે બહુ દુખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતમાં બધા જ જાણે છે કે કઈ પ્રકારે કૉંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દાઓને નબળા પાડ્યા છે અને આના બદલામાં જાતે આર્થિક ફાયદો મેળવ્યો છે.
 
રાજકીય વિચારધારા અલગ હોઈ શકે પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું આ પ્રકારે વેચાઈ જવું પ્રદેશની જનતા સાથે બહુ મોટો દગો છે.
 
રાજકારણમાં સક્રિય દરેક વ્યક્તિનો ધર્મ હોય છે કે તે જનતાનાં કામો કરતી રહે. પણ અફસોસની વાત છે કે કૉંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતા માટે કંઈ સારું કરવા જ માગતી નથી.
 
એટલે જ્યારે પણ મેં ગુજરાત માટે કંઈક સારું કરવાનું ઇચ્છ્યું, પક્ષે મારો માત્ર તિસ્કાર જ કર્યો.
 
મેં વિચાર્યું નહોતું કે કૉંગ્રેસ પક્ષનું નેતૃત્વ આપણા પ્રદેશ, આપણા સમાજ અને ખાસ કરીને યુવાઓ માટે આ પ્રકારનો દ્વેષ મનમાં રાખે છે.
 
આજે હું હિંમત કરીને કૉંગ્રેસ પાર્ટીના પદ અને પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું.
 
મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારો દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ પગલા બાદ ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર સકારાત્મક રૂપથી કાર્ય કરી શકીશ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર