નેધરલેન્ડના SME અને MSME માટે ગુજરાતમાં રોકાણની શ્રેષ્ઠ તકો છે કેમ કે ગુજરાત MSMEનું મુખ્ય મથક છે : એડિથ નોર્ડમન
બુધવાર, 1 ડિસેમ્બર 2021 (09:03 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદૃષ્ટિપુર્ણ આયોજન અને તે માટે કરેલા પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. વડાપ્રધાનની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે, જેના પરિણામે વિકાસ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. આ વિકાસનાં લાભો સમાજના દરેક વર્ગને મળી રહ્યાં છે.
રાજ્યમાં આગામી તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ યોજાનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે વિવિધ દેશના શહેરોમાં રોડ શોનું આયોજન કરાયુ છે. ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને ગ્રામ વિકાસ સચિવ સોનલ મિશ્રાના નેતૃત્વ હેઠળ રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તા. ૨૩ નવેમ્બર,૨૦૨૧ના રોજ નેધરલેન્ડમાં રોડ-શો યોજાયો હતો.
સોનલ મિશ્રાએ રોડ-શોને ભવ્ય સફળ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, “અમને નેધરલેન્ડના પ્રતિનિધિઓ તરફથી પ્રોત્સાહજનક પ્રતિભાવ મળ્યો હતો અને નેધરલેન્ડ VGGS 2022 માં ભાગીદાર થવા સંમત થયું છે.” નેધરલેન્ડ સરકારને તેમના અસાધારણ સહકાર બદલ આભાર માનતા સોનલ મિશ્રાએ કહ્યું હતું કે, ગુજરાત આગામી તબક્કાના વિકાસ માટે બિઝનેસ, રોકાણકારો તથા અન્ય રસ ધરાવતા લોકોને આવકારવા સજ્જ છે.આ પ્રતિનિધિમંડળે નેધરલેન્ડના રોકાણકારો તેમજ ઉદ્યોગ સાહસિકો સાથે ગ્રીન મોબિલિટી, ક્લીન એનર્જી, કૃષિ તથા સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ક્ષેત્રોમાં રહેલી સંભાવનાઓ વિશે વિચાર-વિમર્શ કર્યો હતો.
વર્ચ્યુઅલ રોડ-શોમાં ભાગ લેનાર નેધરલેન્ડ-ઈન્ડિયા ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ટ્રેડ, આર્મ્સટર્ડમના ચેરપર્સન એડિથ નોર્ડમને કહ્યું હતું કે, નેધરલેન્ડમાં બિઝનેસમાં SME તેમજ MSME નો હિસ્સો 99 ટકા છે. તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, “નેધરલેન્ડના SME અને MSME માટે ગુજરાતમાં રોકાણની શ્રેષ્ઠ તકો છે કેમ કે ગુજરાત પણ MSME નું મુખ્ય મથક છે અને બિઝનેસ માટે વ્યાપક તકો ઉપલબ્ધ છે.”પ્રતિનિધિમંડળમાં GIFT સિટી અને ધોલેરા SIRના અધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓએ પણ હાજરી આપી હતી અને આ બંને અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટમાં જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ દર્શાવી હતી.
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એન.ડી.ડી.બી.)ના ચેરમેન મીનેષ શાહે ડેરી ઉદ્યોગ અંગે વિગતો આપી અમૂલની સફળતાની ગાથા વર્ણવી હતી. તેમણે કહ્યું કે, નેધરલેન્ડ વિશ્વનું સૌથી મોટું ડેરી ઉત્પાદક હોવાને નાતે ગુજરાતમાં સંશોધનમાં સહકાર તથા ડેરી ઉદ્યોગમાં રોકાણ કરી શકે છે. વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી દ્વિવાર્ષિક ઇવેન્ટ VGGSમાં રોકાણકારોને ભાર રસ જાગ્યો છે અને તેમની ભાગીદારી પણ વધી રહી છે, પરિણામે રોકાણ અને વેપારની બાબતમાં ગુજરાત વૈશ્વિક મંચ પર પહોંચી ગયું છે. ૧૦મી સમિટ VGGS 2022નું થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત છે.
છેલ્લા ઘણાં વર્ષથી સમિટને કારણે ગુજરાતની બિઝનેસલક્ષી રાજ્ય તરીકેની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ તથા વ્યૂહાત્મક ભાગીદાર માટે મહત્ત્વની ઇવેન્ટ બની છે.
વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ પહેલાં તા. ૧લી ડિસેમ્બર, ૨૦૨૧થી તા. ૯ જાન્યુઆરી, ૨૦૨૨ દરમિયાન ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણની તકો વિશે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.