આ નિર્ણયની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જાહેર કરેલી એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે,“ઑગસ્ટમાં વરસેલા વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેને સહાયરૂપ બનવા માટે ગુજરાત સરકારે 1419.62 કરોડની રકમનું રાહત પૅકેજ જાહેર કર્યું છે. જે પૈકી 1097.31 કરોડ એસડીઆરએફ હેઠળ અને રાજ્યના બજેટમાંથી 322.33 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.”
રાહત પૅકેજની વિગતો આપતા તેમણે કહ્યું, “પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર એમ 20 જિલ્લાઓ મળીને કુલ 136 તાલુકાના કુલ 6812 ગામો અસરગ્રસ્ત થયાં હતાં.”
પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું, “સરકાર ઉદ્યોગપતિઓનાં દેવાં માફ કરે છે પરંતુ ખેડૂતોને સહાય આપવામાં કચાશ કરે છે. સરકારે આટલું નજીવું પૅકેજ જાહેર કરીને ખેડૂતોની મજાક ઉડાવી છે.”