ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા મામલે પ્રગતિ આહીર સહિત ત્રણ નેતાઓ સસ્પેન્ડ

બુધવાર, 25 જાન્યુઆરી 2023 (08:47 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે આજે ત્રણ  નેતાઓને પક્ષે રસ્તો બતાવી દીધો છે. ત્રણ આગેવાનોને એકદમ સસ્પેન્ડ કરવાથી નેતાઓમાં ચકચાર મચી ગઇ છે. જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારની હકાલપટ્ટી કરવામાં આવી હતી.

ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે. આજે કોંગ્રેસની શિસ્ત સમિતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ડિસેમ્બર 2022 માં  કોંગ્રેસની શિસ્ત સમિતીની પુનઃરચના કરવામાં આવી હતી.આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાં બે મિટીંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, જે રજુઆતમાં ચકાસણીની જરૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ તેમની સામે રજૂઆત છે તેમને રૂબરૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાંચ અરજીઓ એવી છે જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંકલિત કરીને નિર્ણય કરશે. સામાન્ય કેસોમાં 8 વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 11 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે. અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર