હાલમાં ચાલી રહ્યો છે ખાદી ઉત્સવ, યુવા સમુદાયમાં પોલી વસ્ત્ર અને કોટન ખાદીના જેન્ટ્સ ટી શર્ટનું આગવું આકર્ષણ

બુધવાર, 12 ઑક્ટોબર 2022 (10:21 IST)
હાલમાં ચાલી રહ્યો છે ખાદી ઉત્સવ, પહેલા નવ દિવસમાં ૧ કરોડ ૧૭ લાખનો વકરો
 
બાપુને પ્રિય ખાદીનું ઉત્પાદન ભારતના કરોડો ગ્રામીણ કારીગર પરિવારો માટે આજીવિકા અને આત્મ નિર્ભર જીવનનું માધ્યમ બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાદીને આધુનિક પ્રવાહો સાથે જોડીને વૈશ્વિક માંગની વસ્તુ બનાવી છે. ગાંધી જયંતિ તા.૨ જી ઓકટોબર થી ડિસેમ્બર સુધીનો સમયગાળો ખાદીની ખરીદીના ઉત્સવનો સમયગાળો ગણાય છે અને આ સમયમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખાદી ઉત્પાદનો ની આકર્ષક વળતરને આધીન ખરીદીની ઉમદા તક આપવામાં આવે છે.
 
અમારા ખાદી ભંડારમાં થી તા.૧ લી થી ૯ મી ઓક્ટોબર સુધીમાં રૂ.૧ કરોડ ૧૭ લાખનું ખાદી અને ગ્રામોધોગ ઉત્પાદનોનું પ્રોત્સાહક વેચાણ થયું છે તેવી જાણકારી આપતાં વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘના પ્રબંધક રાકેશ પટેલે જણાવ્યું કે અગાઉ યુવાનો ભાગ્યેજ ખાદી ભંડારમાં આવતા પરંતુ હવે પ્રધાનમંત્રીની વિચારધારા થી ખાદી એક બ્રાન્ડ બની છે અને નવી ફેશનના ખાદી અને આનુષાંગિક વસ્ત્ર ઉત્પાદનો ની ખરીદી માટે સારી સંખ્યામાં યુવા સમુદાય અમારા સ્ટોરની મુલાકાત લે છે.વસ્ત્ર તરીકે ખાદી પહેરનારને ખૂબ સાનુકૂળતા આપે છે અને ઠંડીની મોસમ હોય કે ઉનાળાનો તાપ,ખાદીના વસ્ત્રો રાહત આપે છે.
 
આ વર્ષે સ્થાનિક કારીગરોની મદદથી મહિલાઓ માટે જોતાં જ ગમી જાય એવા બાટીક પ્રીન્ટના ખાદી કાપડમાંથી ટોપ અને પાયજામા નો સેટ અને પ્લેન ખાદીના લેડિઝ પેન્ટ વેચાણમાં મૂક્યા છે.આ પ્રયોગને પ્રોત્સાહક પ્રતિસાદ મળતાં અમારો ઉત્સાહ વધ્યો છે.એક જમાનામાં પ્રૌઢ વયના લોકોમાં ખાદીના સધરા લોકપ્રિય હતા પરંતુ યુવાનો એ ભાગ્યેજ પસંદ કરતા.યુવા સમુદાયની અભિરુચિ સમજીને અમે પોલી વસ્ત્ર અને કોટન ખાદીના ટી શર્ટ સ્થાનિક કારીગરો પાસે તૈયાર કરાવ્યા છે જેનો સારો ઉપાડ યુવા સમુદાય કરી રહ્યો છે. ગ્રાહકોને રેડીમેડ ટી શર્ટ ની ખરીદી અથવા અમારા કારીગર પાસે સિવડાવવાના વિકલ્પ ઉપલબ્ધ છે.
 
દેશ આઝાદી નું અમૃત પર્વ મનાવી રહ્યો છે ત્યારે આ સંસ્થાએ પણ તેની સ્થાપનાના ૭૫ વર્ષ પૂરા કર્યા છે.સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા અને ગાંધીને વરેલા સ્વ.મગનભાઈ શંકરભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી.તે સમયે ખાદી ભંડાર મચ્છી પીઠમાં શરૂ કરાયો હતો.સરકારમાં વગદાર સ્થાન ધરાવતા મગનકાકા એ ગુજરાતમાં કદાચ પહેલીવાર આ ખાદી સંસ્થા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભવનનું કોઠી ના ઢાળે નિર્માણ કરાવ્યું જ્યાં આજે આ ભંડાર ધમધમી રહ્યો છે.
 
ખાદી ભંડાર એક મોલની ગરજ સારે છે. અહીં કોટન,સિલ્ક,પોલી ખાદી,એના વસ્ત્રો અને સાડીઓ ઉપરાંત ગ્રામોદ્યોગ કારીગરોએ બનાવેલા ગૃહ ઉપયોગી ઉત્પાદનો, આકર્ષક કલા કૃતિઓ,ફેશનને અનુરૂપ થેલા અને બેગ,પગલુંછનીયા અને અન્ય વસ્તુઓ,શુદ્ધ મધ અને ઔષધીય ઉત્પાદનોની ખૂબ વ્યાપક રેન્જ ઉપલબ્ધ છે. દિવાળી નજીક આવશે અને તેની ખરીદી શરૂ થશે તેની સાથે અમારા ભંડારમાં ભીડ વધશે એવું રાકેશ પટેલનું કહેવું છે.ખાદી સંસ્થાઓ ખૂબ વ્યાજબી ભાવે અને ગ્રામીણ કારીગરો એ બનાવેલા ઉત્પાદનોનું વેચાણ કરે છે.ત્યાં થી ખરીદી કરીને આ કારીગરોને પીઠબળ આપવું એ નૈતિક ફરજ ગણાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર