ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી જવા પામ્યો છે. વાયરસના સંક્રમણથી વધી રહેલા દર્દીઓની સંખ્યાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે.આજે રાજકોટમાં 3 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મૃત્યુ થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 19 થયો છે.
રાજકોટમાં વધુ ત્રણ બાળકોના મૃત્યુ થયા
રાજકોટમાં જ 5 શંકાસ્પદ દર્દીના મૃત્યુ થઈ ગયા છે. મોરબીની બાળકીનું 14 જુલાઈએ, પડધરીના હડમતીયાના 2 વર્ષીય બાળકનું 15 જુલાઈએ, જેતપુરના પેઢીયા ગામના 8 વર્ષના બાળકનું 16 જુલાઈએ મૃત્યુ થયું હતું. મધ્યપ્રદેશના 13 વર્ષીય સુજાકુમાર ધનકને 16 જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મૃત્યુ થયું હતું. 3 વર્ષીય રિતિક રાજારામ મુખીયા 14-7-2024ના રોજ દાખલ થયો હતો અને 17 જુલાઈના રોજ તેનું મૃત્યુ થયું હતું. ગત 6 જુલાઈના રોજ પંચમહાલના ઘોઘંબાના લાલપુરી ગામે 4 વર્ષીય બાળકી મૃત્યુ પામી હતી. આ બાળકીનું ચાંદીપુરા વાઇરસના સંક્રમણથી મૃત્યુ થયું હોવાની ચર્ચાઓ હતી.
રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ
આજે જિલ્લા આરોગ્યની ટીમ તેમજ ડીડીઓ સહિતના આરોગ્યના કર્મચારીઓ કોટડા ગામે આવી પહોંચ્યા હતા. જે વાઈરસના કારણે બાળકીનું મોત થયું હતું તે મકાનમાં જરૂરી દવાનો છંટકાવ કર્યો હતો. ત્યારબાદ પંચમહાલ જિલ્લાના ડીડીઓ દ્વારા તમામ ઘરની મુલાકાત લેવાઈ હતી.ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી નાના બાળકોનાં મૃત્યું થયા છે. રાજ્ય કક્ષાની રેપીડ રિસ્પોન્સ ટીમે અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાની મુલાકાત લીધી છે. ચાંદીપુરાનાં શંકાસ્પદ 31 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. અમદાવાદ,ગાંધીનગર સહિત 13 જીલ્લામાં કેસ નોંધાયા છે. રાજ્યભરનાં 10 હજાર 181 ઘરોમાં 51 હજાર 726 લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ છે.
આજે આરોગ્ય વિભાગની બેઠક યોજાશે
ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ભાટ પાસે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. તે ઉપરાંત જામનગરના જામજોધપુર તેમજ ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર બન્યું સજાગ છે. કેબિનેટ મંત્રી રાધવજી પટેલ,ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જિલ્લા ના આરોગ્ય અધિકારીઓ સાથે ગુરુ ગોવિંદ સિંગ સિવિલ હોસ્પિટલમાં કરી ઉચ્ચસ્તરીય બેઠક કરી છે. તે ઉપરાંત આરોગ્ય વિભાગની આજે બપોરે મહત્વની સમીક્ષા બેઠક યોજાશે. જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરના આરોગ્ય અધિકારીઓ તેમજ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે આરોગ્ય મંત્રી સ્થિતિની સમીક્ષા કરશે.