ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો વેટ ઘટ્યો પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂ. 12 અને ડીઝલના ભાવમાં લિટરે રૂ. 17નો ઘટાડો

ગુરુવાર, 4 નવેમ્બર 2021 (10:49 IST)
કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટર 10 રૂપિયા એક્સાઇડ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને આ સમાચારથી દિવાળીની પૂર્વસંધ્યાએ મોટી રાહત મળી છે.  મોડી રાત્રે ગુજરાત સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14.9 રૂપિયા કર્યો હતો.
 
આ સાથે રાજ્યમાં ઑવરઓલ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 12 તો ડીઝલના ભાવમાં લિટરે રૂ. 17નો ઘટાડો થયો હતો. નવો ભાવ મધરાતથી લાગુ થયો હતો. આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યોને પણ વેટના દરમાં ઘટાડો કરવા જણાવ્યું છે. પેટ્રોલ-ડીઝલના નવા ભાવ મધરાતથી જ લાગુ થઈ ગયા છે. આ નિર્ણયથી કેન્દ્રની આવકમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થશે.
 
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના પગલે અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો હતો. સરવાળે મોંઘવારી વધી હતી. સરકાર પર ભાવ ઘટાડાવા માટે ભારે દબાણ હતું. હાલમાં ક્રુડ ઑઇલના ભાવમાં વધારાની અસર દેશમાં પણ થઈ હતી. અર્થતંત્રને ગતિ આપવા માટે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાનો નિર્ણય લેવાયો હતો. પેટ્રોલની સરખામણીમાં ડીઝલમાં બમણી એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર