ગુજરાતના પોરબંદરમાં દર્દનાક અકસ્માત નોંધાયો છે જ્યાં એક સીમેન્ટ ફેક્ટરીમાં ચીમનીના સમારકામ દરમિયાન સાત મજૂરો કાટમાળ નીચે દબાયા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલી એનડીઆરએફની બે ટીમોએ આખી રાખ રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. આ અકસ્માતમાં ત્રણ મજૂરોના મોત થયા છે. એનડીઆરએફએ ત્રણ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેકટરીમાં થયેલી દુર્ઘટના અંગે જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીત કરીને આ દુર્ઘટના માં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન. ડી. આર. એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપી હતી.
કહેવામાં આવે છે કે આ ઘટના ગુરૂવારે સાંજના સમયે સર્જાઇ હતી જ્યારે ઘણા મજૂર રાણાવાની પાસે સૌરાષ્ટ્ર સીમેન્ટ કંપનીમાં કામ કરતા હતા. તે એક ચિમનીના સમારકામ કરી રહ્યા હતા તે દરમિયાન માચડો તૂટી જતાં દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટના એટલી જલદી થઇ હતી કે મજૂરોને બચાવવાની તક મળી ન હતી અને સાત લોકો કાટમાળ નીચે દબાઇ ગયા.