યાત્રાધામ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સમાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'માં ભાગ લઈને અનન્ય આધ્યાત્મિક અનુભૂતિ કરવા માટે અમદાવાદ શહેર-જિલ્લાના માઈભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેર - જિલ્લામાંથી ૫૦ બસોમાં ૩૦૦૦ જેટલા ભાવિભક્તોને અંબાજી ખાતે 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'માં લઈ જવામાં આવશે.
જેમાં અમદાવાદ સીટી, દસક્રોઈ (જેતલપુર) અને દહેગામમાંથી ૨૨ બસો, દેત્રોજ તાલુકામાંથી ૦૫ બસ, ધોળકાથી ૦૭ બસ, બાવળાથી ૦૮ બસ, સાણંદ ખાતેથી ૦૫ બસ તેમજ વિરમગામ ખાતેથી ૦૩ મળીને કુલ ૫૦ બસની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત ભક્તો 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' માં પરિક્રમા સહિત બપોર અને સાંજનું ભોજન, સાંધ્ય આરતી તથા લાઈટ અને સાઉન્ડ શૉ નો લાભ મેળવી શકશે.