અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ લેવા ગયેલા કર્મચારીને કારચાલકે અંદર ખેંચીને ઢસડ્યો

ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (16:51 IST)
latest gujarati news
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી દેતાં વાહન ચાલકો પાર્કિંગ પર ફરજ નિભાવતા કર્મચારીઓ સામે બળજબરી કરતાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે બાપુનગર વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વ્યક્તિ ચાલુ કારમાં લટકી રહ્યો છે. જે વ્યક્તિ કારમાં લટકી રહ્યો છે તે પે એન્ડ પાર્કમાં કામ કરતો કર્મચારી છે. કર્મચારીએ પાર્કિંગના પૈસા માંગતા કારચાલકે તેની સાથે બબાલ કરી હતી. ત્યારબાદ પાર્કિંગના કર્મચારીને કારમાં ખેંચી લઈને કાર ભગાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 
 
કારચાલક પાસે વાહન પાર્કિંગનો ચાર્જ માંગ્યો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે, બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખરબ્રિજ નીચે આવેલા પે એન્ડ પાર્કમાં કારચાલક દ્વારા કાર પાર્ક કરવામાં આવી હતી. પે એન્ડ પાર્કમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના કર્મચારીએ કારચાલક પાસે વાહન પાર્કિંગનો ચાર્જ માંગ્યો હતો. જે મામલે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ પૈસા લેવા જતા કારચાલક કે તે વ્યક્તિને અંદર ખેંચીને કાર ભગાવી મૂકી હતી. 
 
કર્મચારીને લાફા મારી પૈસા અને મોબાઈલ લૂંટી લીધો
થોડા આગળ ગયા બાદ કાર ઉભી રાખી કર્મચારીને લાફા મારી પૈસા અને મોબાઈલ લૂંટી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.ચાલુ કારમાં ખેચીને જતા કારચાલકનો વીડિયો કોઈ નાગરિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરનો કર્મચારી કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર