અમદાવાદમાં માસ્ક નહી પહેરનાર પાસેથી દંડ વસૂલવા માટે પ્લીસને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેના હેઠળ હવે ટાર્ગેટ પુરો કરવા માટે લોકો પર અત્યાચાર કરી રહી છે. આવો જ એક કિસ્સો અમદાવાદના ખોખરામાંથી સામે આવ્યો છે. અહીં એક સોસાયટીમાં માસ્ક નહી પહેરવા પર પોલીસ કોન્સ્ટેબલે ખુલ્લેઆમ યુવકની ધોલાઇ કરી હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ ગયો છે. વીડિયો વાયરલ થયા બાદ ઝોન 5 એસપીએ પોલીસ કોંસ્ટેબલ વિરૂદ્ધ તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના ખોખરામાં પોતાની જ સોસાયટીમાં ફરી રહેલા એક યુવકને પોલીસે માસ્ક નહી પહેરવાના આરોપમાં રોક્યો હતો. આ યુવક પોતાની સોસાયટીમાં ફરી રહ્યો છે. તે મોબાઇલ પર વાત કરી રહ્યો હતો તથા તેણે તેના નાક નીચે માસ્ક પહેર્યું હતું. આ દરમિયાન પોલીસની જીપે તેને બોલાવ્યો ત્યારબાદ પોલીસ અને યુવક વચ્ચે બોલાચાલી થઇ.
આ દરમિયાન આવેશમાં આવેલા ખોખરા પોલીસ મથકના કોંસ્ટેબલ ભરત ભરવાડે યુવકને મારવાનું શરૂ કરી દીધું. ભરત ભરવાડે યુવકે બળજબરીપૂર્વક પોલીસ જીપમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો. એટલું જ નહી ડંડા વડે ફટકારવા લાગ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આ સંબંધમાં ખોખરા પોલીસ મથકના પીઆઇ વાય એસ ગામીતનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હાલ આ અંગે કશું ખબર નથી તે પોતે વીડિયો મોકલવાની વાત કરવા લાગ્યા. જોકે તેમણે ફોન કાપી લીધો.