ચૈતર વસાવા સામે રાયોટિંગનો નોંધાયા બાદ તેમણે સ્પષ્ટતા કરી

સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (08:52 IST)
આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ રાયોટિંગનો વધુ એક ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.
 
પોલીસ એફઆઈઆર અનુસાર ડેડિયાપાડાના સામરપાડામાં રહેતા શાંતિલાલ વસાવાને ડેડિયાપાડાના ધારાસભ્ય અને તેના સાથીદારોએ બેરહમીપૂર્વક માર્યો હતો.
 
બીબીસી સહયોગી નરેન્દ્ર પેપરવાળાએ જણાવ્યું કે શાંતિલાલ વસાવા ડેડિયાપાડાની શિવમ પાર્ક હૉટલમાં નોકરી કરે છે અને ચૈતર વસાવાના જૂના મિત્ર છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો હૉટલમાં જમ્યાં હતા જેનું એક લાખ 28 હજાર રૂપિયાનું બિલ ચૂકવવાનું બાકી હતું.
 
હૉટલના માલિકે શાંતિલાલ વસાવાના પગારમાંથી એ બિલના પૈસા કાપી લીધા હતા. શાંતિલાલે ચૈતર વસાવાને ફોન કરીને બાકી રકમ ચૂકતે કરવા માટે કહ્યું હતું.
 
ફરિયાદ પ્રમાણે બાકી પૈસાની માંગણી કરતા ધારાસભ્ય પોતાની સાથે ટોળું લઈ આવ્યા હતા અને શાંતિલાલ વસાવાને ઢોર માર માર્યો હતો. ડેડિયાપાડા પોલીસે આ મામલે શનિવારે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
 
ફરિયાદ નોંધાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ આ સમગ્ર ઘટનાને તેમને બદનામ કરવાનું ષડ્યંત્ર ગણાવ્યું છે.
 
અત્રે નોંધનીય છે કે ધારાસભ્ય ચૈતર વસાવા સામે અગાઉ વનકર્મીને માર મારવાનો ગુનો નોંધાયો છે જેમાં તેમને શરતી જામીન મળ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર