ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે બોલાચાલી

શનિવાર, 18 મે 2024 (17:14 IST)
vasava
લોકસભાની ચૂંટણીનું પરિણામ આવે એ પહેલાં જ ભરૂચ લોકસભાના બંને ઉમેદવારો આમને સામને આવી ગયા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. જે દરમિયાન મામલો બિચકતા ડેડીયાપાડા પોલીસે વચ્ચે આવી મામલો થાળે પાડ્યો હતો.

ધારાસભ્ય ચૈતર વસાવાએ મોડી રાત્રે Dy.sp લોકેશ યાદવને મૌખિક અને લેખીત ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે, અગાઉ ભાજપના ઈશારે મારા પર ખોટા કેસો થયા હતા. હવે આ મામલે ભાજપના ઈશારે જો પોલીસ મારા પર ખોટો કેસ કરશે અથવા એક તરફી કાર્યવાહી કરશે તો અમે રોડ પર ઉતરી જઈશું. લાખોની સંખ્યામાં આદીવાસીઓ ડેડીયાપાડામાં આંદોલન કરશે.
 
મનસુખ વસાવાએ પોતાનાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાનાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ડેડીયાપાડામાં તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીઓને ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ધાકધમકી અપાઈ. બંધ ઓફિસમાં ઓફિસ સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન થતાં ઓફિસકર્મીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. જે બાબતની જાણ થતાં હું તત્કાલિક ડેડીયાપાડામાં પહોચી રહ્યો છું. જેથી બીજા તાલુકા પંચાયતના સભ્યો કચેરીએ પહોંચે. કોઈપણ કર્મચારીઓને ગભરાવવાની જરૂર નથી સરકાર તમારી સાથે છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાનાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડા ટીડીઓને ધમકાવ્યા છે એટલે ભાજપના લોકો ડેડીયાપાડા તાલુકા પંચાયત ખાતે ભેગા થાવ હું આવવા નિકળી ગયો છું. 
 
ચૈતર વસાવા પણ પોતાનાં સમર્થકો સાથે પહોંચી ગયા
આ મેસેજ એટલો બધો વાયરલ થયો કે મનસુખ વસાવા ડેડીયાપાડા ખાતે પહોંચ્યા ત્યારે ચૈતર વસાવા પણ પોતાનાં સમર્થકો સાથે ત્યાં પહોંચી ગયા હતા. મનસુખ વસાવા જેવાં ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ચૈતર વસાવાએ એમને પ્રશ્ન કર્યો હતો કે, તમે જે આક્ષેપ કર્યો છે એના તમારી પાસે પુરાવા હોય તો રજૂ કરો અને મારી પર ફરિયાદ કરો. ખોટા અહીંયા કેમ દોડી આવો છો. હું ડેડીયાપાડા ટીડીઓ પાસે આયોજનની ફાઈલ લઈને ગયો હતો. ત્યારે એમનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો. મેં એમને ધમકાવ્યા નથી. ટીડીઓને તકલીફ હોય તો એ કેમ ફરિયાદ નથી કરતા તમે ડેડીયાપાડાનો માહોલ બગાડી અહીંયા ખોફ ઉભો ના કરશો. મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે એટલી હદે બોલાચાલી થઇ હતી કે જો પોલીસ વચ્ચે ન આવી હોત તો બન્ને વચ્ચે હાથાપાઈ થઈ જવાની સંભાવનાઓ હતી. આ સમગ્ર ઘટના દરમિયાન ડેડીયાપાડાનું વાતાવરણ ગરમાયું હતું. આ બાબતે ધારાસભ્ય દ્વારા મોડી રાત્રે Dy.sp લોકેશ યાદવને મૌખિક અને લેખીત ફરિયાદ કરવા પહોંચ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર