દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની કથિત ૮૦૦ કરોડના ગોટાળા મામલે એસીબીએ ધરપકડ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિપુલ ચૌધરી ૨૩મી સપ્ટેમ્બર સુધી ૭ દિવસના રિમાન્ડ ઉપર છે ત્યારે એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીનગરમાં માણસા રોડ ઉપર આવેલા પંચશીલ બંગલામાં વહેલી પરોઢે એસીબીની ટીમો ત્રાટકી હતી અને તપાસ હાથ ધરી હતી જેમાં ૩૧ હજારની રોકડ હાથ લાગી હતી.
વિપુલ ચૌધરી ઉપર ૩૧ બેનામી કંપનીઓ ઊભી કરીને કરોડોની રકમ બારોબાર ટ્રાન્સફર કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. માત્ર એટલું જ નહી પણ વિપુલ ચૌધરીએ યુએસ અને કેનેડા તેમજ અલાસ્કામાં મોટેલ તથા મકાનની ખરીદી કરી હોવાની વિગતો પણ સામે આવી ચૂકી છે. એસીબી જ્યારે પંચશીલમાં ત્રાટકી ત્યારે તેમના પત્ની સહિતનો પરિવાર ગાયબ થઈ ગયો હતો.
જો કે, એસીબીને માત્ર ૩૧ હજારની રોકડ મળી આવી હતી અને અન્ય કોઈ ડોક્યુમેન્ટ કે ફાઈલ કે અગત્યના પુરાવા મળ્યા નથી. એસીબીના દરોડા દરમિયાન બંગલામાંથી વિપુલ ચૌધરીના પત્ની પણ ગાયબ જાેવા મળ્યા હતા. વિપુલ ચૌધરી સામે કથિત ૮૦૦ કરોડના ગોટાળાની મહેસાણા એસીબીમાં ફરિયાદ થયા બાદ ગત સપ્તાહે એસીબી અને ક્રાઈમ બ્રાંચે દરોડો પાડ્યો હતો અને અડધી રાતે વિપુલ ચૌધરીની અટકાયત કરવામાં આવી હતી.
વિપુલ ચૌધરી સામે બોગસ કંપનીઓ ઊભી કરીને કરોડો રૂપિયા સગેવગે કરવામાં આવ્યાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીની ધરપકડનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં અર્બુદા સેના સમર્થનમાં આવી રહી છે. તાજેતરમાં થરાદના થાવરમાં ૨૫ હજાર લોકોનું સંમેલન યોજાયું હતું અને વિપુલ ચૌધરીને મૂક્ત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જો તેમ કરવામાં નહી આવે તો જેલભરો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી હતી.