અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દૂધસાગર ડેરીના આર્થિક કૌભાંડ મામલે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરીના સીએ શૈલેષ પરીખની પણ ધરપકડ કરવામાં આવી છે. દૂધસાગર ડેરીના નાણાંકીય કૌભાંડ અંગે મહેસાણા એસીબીમાં બંને સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 17 બેનામી કંપનીઓ બનાવી ઉક્ત રકમ વારંવાર ટ્રાન્સફર કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ચૌધરી અને તેના સીએની ધરપકડ કરી છે. જે એસીબીને સોંપવામાં આવશે.
વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન હતા. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિની ફરિયાદો નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ દૂધસાગર ડેરીમાં નાણાંકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં 300 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું હતું. વિપુલ ચૌધરી અને તેના પીએ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને આખરે બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેના પીએ શૈલેષ પરીખને એસીબી કચેરીએ લઈ જવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ અંગે જરૂરી કાર્યવાહી થઈ શકે છે.