આણંદમાં ખાનગી ફાર્મ હાઉસમાં જામી દારૂની મહેફિલ, શ્રીમંત પરિવારના 25 યુવક-યુવતી ઝડપાયાં
આણંદ જિલ્લામાં દારૂની એક મહેફિલ પર પોલીસે દરોડો કર્યો હતો. આ મહેફિલ ખાનગી ફાર્મ હાઉસમાં યોજવામાં આવી હતી. પોલીસે દારૂની પાર્ટીના રંગમાં ભંગ પાડીને 25 જેટલા યુવક અને યુવતીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ લોકો શ્રીમંત પરિવારના છે. આ તમામ નબીરા વડોદરા શહેરના રહેવાસી છે. પોલીસે આંકલાવના ગ્રીનટોન નામના ફાર્મ હાઉસ પર દરોડો કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આંકલાવ તાલુકાના માનપુરા ગામે ગ્રીનટોન નામના ખાનગી ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ઝડપાઈ છે. અહીં જન્મ દિવસની પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પાર્ટીમાંથી પોલીસે શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે દારૂની 10 બોટલો પણ ઝડપી પાડી છે.