સુરતમાં વેસુ વિસ્તારમાં પાલિકા દ્વારા બની રહેલા આવાસમાં કામ કરતા એક શ્રમિકની પત્ની તેના એક વર્ષના પુત્રને ટૂવાલમાં લપેટી જઈ રહી હતી. ત્યારે લોડિંગ લિફ્ટના મશીનમાં ટૂવાલ ફસાય જતા બાળકનો જમણો હાથ મશીનમાં આવી ગયો હતો અને કપાયને શરીરથી છૂટો પડી ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક બાળકને લઈને પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બાળકને દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. જોકે, બાળકની હાલત ખૂબ જ નાજુક છે.
મૂળ બિહારનો મુકેશ રાવ પરિવાર સાથે વેસુ વિસ્તારમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી ત્યાં જ રહેતો હતો. મુકેશ રાવ નવનિર્મિત બિલ્ડિંગોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકેશના પરિવારમાં બે સંતાન છે. જેમાંથી નાનો પ્રિન્સ એક વર્ષનો છે. આજે પિતા આવાસની એ બિલ્ડિંગ ખાતે કામ કરી રહ્યા હતા. ત્યારે પત્ની પ્રિન્સને ટૂવાલમાં લપેટી જઈ રહી હતી અને લોડિંગ લીફ્ટના મશીનમાં ટૂવાલ ફસાયો હતો અને સાથે બાળકનો જમણો હાથ મશીનમાં આવી ગયો હતો અને કપાય ગયો હતો. ઘટના બાદ બાળકના રડવાના અવાજથી ભાગદોડ મચી ગઈ હતી. જેથી તાત્કાલિક બાળકને સુપરવાઈઝરની કારમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આવાસ યોજનાના સાઈટ સુપર વાઈઝર રાજ કિશોરે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, બાળકને માતા તેને ટૂવાલમાં લપેટીને આવી રહી હતી ત્યારે લિફ્ટના મશીને ટૂવાલ ખેંચી લીધો હતો. આથી બાળક પણ મશીનમાં આવી ગયું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાઈટ પર આ ઘટના બની છે. પરિવાર મૂળ બિહારનો છે અને છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં રહે છે.સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક બાળકને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકનો કપાય ગયેલો હાથ પણ સાથી મજૂર લઈને સિવિલ આવ્યો હતો. ખંભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો. ઉપરાંત પ્રિન્સના માથા અને કાન પર પણ ગંભીર ઇજા થઈ છે. હાલ પ્રિન્સને ટ્રોમાં સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશન માટે લઈ જવાયો છે. જોકે, બાળકની હાલત ખૂબ જ નાજુક છે.