જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીની આડોડાઇના વિરોધમાં સોમવારથી આહના સાથે જોડાયેલી શહેરની 160 ખાનગી હોસ્પિટલોએ અઠવાડિયા સુધી કેશલેસ સુવિધા બંધ કરી છે. પ્રથમ દિવસે ખાનગી હોસ્પિટલમાં ટાળી શકાય તેવી 30 ટકા એટલે કે 600 પ્લાન્ડ સર્જરી રદ કરાઈ છેે. 70 ટકા દર્દીએ રિએમ્બર્સમેન્ટમાં સારવાર લેવાની ફરજ પડી છે. વર્ષોથી આ કંપનીઓમાં હજારો રૂપિયાનું પ્રિમિયમ ભરવા છતાં સારવારની રકમના 60થી 65 ટકા રકમ જ વીમા કંપની મંજૂર કરતી હોવાનું એક મહિલા દર્દીએ કહ્યું હતું.એક મહિલા દર્દીના જણાવ્યા મુજબ, સોમવારે મારી મોતિયાની સર્જરી હોવાથી એચસીજી હોસ્પિટલમાં ગઇ હતી. પરંતુ, ખાનગી હોસ્પિટલો દ્વારા વીમા કંપનીના આડોડાઇના વિરોધમાં અઠવાડિયા સુધી કેશલેસ સુવિધા બંધ કરી હોવાથી સર્જરી થઈ શકી ન હતી.
સર્જરી અઠવાડિયું પાછી ઠેલવી પડી છે, પણ જેમને સર્જરી કે નાની પ્રોસીજર કરાવવી જરૂરી હોય તેવા અનેક લોકોને રઝળવું પડ્યું છે.મારી પાસે વર્ષ 2005થી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીનો મેડિક્લેઇમ છે, અને દર વર્ષે રૂ. 11 હજારથી વધુ પ્રિમિયમ ભરું છું, પણ મેં ગત વર્ષે મોતિયાની સર્જરી કરાવી હતી, કેશલેસ કરાવેલી સર્જરીનું બિલ રૂ. 45 હજારની આસપાસ થયુું હતું, પણ વીમા કંપનીએ માત્ર રૂ. 24 હજાર મંજૂર કરતાં બાકીના નાણાં મારે ભરવાની ફરજ પડી હતી. જો વીમા કંપની ગ્રાહકો પાસેથી પૂરંુ પ્રિમયમ લે છે, પણ કેશલેસમાં વિવિધ બહારના હેઠળ અડધો અડધ ચાર્જ કાપી લે કેમ ચાલે?પ્રાઇવેટ વીમા કંપનીઓ શરૂ થવાથી જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ ખોટમાં જઇ રહી છે. યોગ્ય નિયમનને અભાવે આઇઆરડીએમાં કોઇ જવાબ આપતું નથી. વીમા કંપનીઓ ફાઈનાન્સ વિભાગ હેઠળ આવે છે, અને વીમા કંપનીના અધિકારીઓનું ફાઈનાન્સ મિનીસ્ટ્રીમાં કોઇ સાંભળતું નથી. જેથી સરકારે વીમા કંપનીઓ ઉપર પૂરતું ધ્યાન આપીને નિયમન માટે અલગ મિનિસ્ટ્રી બનાવવાની જરૂર છે.500માંથી 160 હોસ્પિટલમાં કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે, જેમાં 1500થી 2 હજાર દર્દી સર્જરી અને પ્રોસીજર સહિતની સારવાર મેળવતા હોય છે. કેશલેશ સિસ્ટમ બંધ કરવામાં આવતા સોમવારે પ્રથમ દિવસે 30 ટકા સર્જરી-પ્રોસીજર રદ થઇ છે તેમજ 70 ટકા લોકોએ રિએમ્બર્સમેન્ટમાં સારવાર લેવી પડી છે.