ગુજરાતમાં સૌની યોજના પાછળ અંદાજ કરતાં 60 ટકા ખર્ચ વધારે થયો હોવાનું સરકારે સ્વીકાર્યું

સોમવાર, 13 માર્ચ 2023 (16:44 IST)
ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે અમલમાં મુકવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત ફેબ્રુઆરી 2013માં કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર નર્મદા સિંચાઇ યોજના એટલે કે સૌની યોજના અંતર્ગત નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કેનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોચાડવા કુલ 1126 કિ.મી. લંબાઇની ચાર પાઇપ લાઇન લિંક ધ્વારા સૌરાષ્ટ્રના 11 જીલ્લાના 115 જળાશયો સુધી પહોંચાડવા સરકારે પ્રયત્નો હાથ ધર્યાં હતાં. પરંતુ આ યોજનાના નિર્ધારિત ખર્ચ કરતાં 60 ટકા ખર્ચ વધારે થયો હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. 
 
2021 સુધીમાં 16 હજાર 148 કરોડનો ખર્ચ થયો
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, સૌની યોજનાની 2013ના ફેબ્રુઆરીમાં 10 હજાર કરોડની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 2021 સુધીમાં 16 હજાર 148 કરોડનો ખર્ચ થયો  છે. સરકારે વહિવટી મંજુરી મેળવીને 18 હજાર 563 કરોડ ખર્ચનો અંદાજ માંડ્યો હતો. સરકારે વધુ ખર્ચ થવા પાછળ પાઈપલાઈનમાં વધારાનું કારણ આગળ ધર્યું છે. 
 
સરકારે ધારાસભ્યના સવાલમાં લેખિતમાં જવાબ આપ્યો
તે ઉપરાંત સરકારે આ યોજના હેઠળ અંદાજ કરતાં વધુ ખર્ચ થવા પાછળ સ્ટીલના ભાવમાં વધારો, નક્કી કરેલ સ્ટીલ પાઈપલાઈન કરતા વધારે ગુણવત્તાની જરૂર પડી હોવાનું પણ જણાવ્યું હતું. જ્યારે આ યોજના હેઠળ ખર્ચની પ્રાથમિક મંજુરી હેઠળ રાઈટ ઓફ યુઝ ખર્ચ અને ઇલેક્ટ્રિસિટી કનેક્શન ગણતરીમાં લેવાયેલ નહીં હોવાનું પણ ગૃહમાં ધારાસભ્યના સવાલમાં લેખિતમાં જવાબ આપ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર