શ્રીનગરથી એક વિદ્યાર્થી પબજી ગેમના મિત્રોને મળવા અમદાવાદ પહોંચી ગયો, પોલીસે શોધી કાઢ્યો

સોમવાર, 13 માર્ચ 2023 (16:36 IST)
દેશમાં વિદ્યાર્થીઓને પહેલાથી જ મોબાઈલમાં ગેમ રમવાનો શોખ વધ્યો હોવાથી તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. જેના કારણે તેઓ નાપાસ થવાના ડરે કંઈક અજુગતુ કરી બેસે છે. આવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જમ્મુ કાશ્મીરથી પબજી અને ફ્રીફાયર ગેમના મિત્રોને મળવા 10મા ધોરણનો વિદ્યાર્થી અમદાવાદ આવી પહોંચ્યો હતો. આ વિદ્યાર્થી નેપાળમાં રહેતાં તેના દાદા દારી પાસે જઈ રહ્યો હતો ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે તેને પકડીને તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું.

મોબાઈલમાં પબજી તથા ક્રીફાયર જેવી ગેમની લત લાગ્યા બાદ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની મર્યાદાઓ ઓળંગી લેતા હોય છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રહેતો આ વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે સતત મોબાઈલમાં ફ્રીફાયર અને પબજી ગેમ રમતો હોવાથી તેણે પરીક્ષાની તૈયારીઓ કરી નહોતી. પરીક્ષા નજીક આવતાં જ તેનામાં ડર ઉભો થયો હતો અને તે ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો. આ વિદ્યાર્થીના માતા પિતાએ તેના ગુમ થયાની શ્રીનગરમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં તે ગોધરા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી શ્રીનગરથી પોલીસ કર્મીઓ તેને શોધવા માટે ગુજરાત આવ્યાં હતાં. તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને રેલવે પોલીસ સાથે મળીને આ વિદ્યાર્થીને શોધવા તપાસ હાથ ધરી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ વિદ્યાર્થીને શહેરના સરસપુર વિસ્તારમાંથી શોધીને તેના વાલીને સહીસલામાત સોંપ્યો હતો. આજે તે તેના નાના નાની ના ઘરે જવા માટે નેપાળ રવાના થવાનો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર