ગાંધીનગરના ગિફ્ટ સિટીથી 32 કિમી દૂર દહેગામના લિહોડા ગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. ગઈકાલે મોડી રાતે બનાવ બન્યો હતો. લઠ્ઠાકાંડ થયો હોય તેવી આશંકા જોવા મળી રહી છે. જેથી પોલીસ દોડતી થઈ છે. જે બે લોકોના મોત થયા છે. તેમાં એક લિહોડા તેમજ અન્ય એક પનાના મુવાડા ગામનો રહેવાસી હોવાનું હાલ સામે આવ્યું છે. એકની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં ગામ હીબકે ચઢ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલ તપાસ શરૂ કરી છે.
ગિફ્ટ સિટીથી માત્ર 32 કિલોમીટર દૂર લિહોડા ગામમાં દેશી દારૂ પીધા બાદ 2 લોકોના મોત થયાં છે. તેમજ 4 લોકો હાલ સારવાર હેઠળ છે. દારૂ પીધા બાદ મોત થતાં નાનકડા ગામમાં હાહાકાર મચી ગયો છે. બે મૃતકમાંથી એક વિક્રમ નામના શખ્સ પાસેથી દારૂની બોટલ પણ પોલીસને મળી આવી છે. હજુ પણ નશાખોરની સંખ્યા વધે તો ઈમરજન્સી માટે 5 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસવડા પણ હાલ લિહોડા ગામે પહોંચ્યા છે.આ અંગે એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ જણાવ્યું હતું કે, એફએસએલ રિપોર્ટમાં ઈથાઈલ આલ્કોહોલની પુષ્ટિ થઈ નથી. જેથી લઠ્ઠાકાંડ નથી. રાત્રે જ તકેદારીનાં ભાગરૂપે દારૂ પીધેલા લોકોને ઓબ્જેવેશનમાં રાખવામાં આવ્યા હતા. હાલમાં અમે કેટલાક લોકોને રાઉન્ડઅપ કરી લીધા છે. બે લોકોના મોત થયા છે. આગળ વધુ તપાસ દરમિયાન જરૂર લાગશે તો કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે.