નરેન્દ્ર મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું પણ વીઝાની ગૅરન્ટી નહીં

શુક્રવાર, 29 માર્ચ 2013 (12:58 IST)
P.R
ભલે અમેરિકાએ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી માટે દરવાજા બંધ રાખ્યા હોય, પરંતુ અમેરિકન કૉન્ગ્રેસના ત્રણ સંસદસભ્યો ગઈ કાલે મોદીને મળવા ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદીને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું હતું. તેમણે જોકે મોદીને વીઝા અપાવવાની કોઈ ખાતરી આપી ન હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકન કૉન્ગ્રેસના ત્રણ સંસદસભ્યો કેથી એમ. રોજર, ઍરોન શૉક અને સિન્થેયા લ્યુમિસના નેતૃત્વમાં ગુજરાત આવેલા ૨૪ સભ્યોના અમેરિકન બિઝનેસ ડેલિગેશને ગઈ કાલે ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને મોદીના વિકાસ વિઝનને પ્રેરણારૂપ ગણાવ્યું હતું. આ ડેલિગેશનની નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત યોજાયા બાદ ત્રણેય અમેરિકન સંસદસભ્યોએ મોદી સાથે વ્યક્તિગત બેઠક યોજી હતી અને વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી હતી. ઍરોન શૉકે નરેન્દ્ર મોદીને ડાયનેમિક પર્સન ગણાવીને કહ્યું હતું કે ગુજરાતમાં બીજાં રાજ્યો કરતાં વિદેશી રોકાણ સરળ છે તો સિન્થેયા લ્યુમિસે કહ્યું હતું કે ‘અમે અહીં વિકાસથી ખૂબ પ્રભાવિત છીએ. અહીંનું જીવનધોરણ સારું છે.’

મોદીએ આ ડેલિગેશનને આવકારતાં કહ્યું હતું કે ‘અમેરિકન કૉન્ગ્રેસના સંસદસભ્યો સહિતના આ ડેલિગેશનની ભારત અને ગુજરાતની યાત્રા, ભારત અને અમેરિકાના વચ્ચે સંબંધો અને સમજણને વધુ મજબૂત ફલક ઉપર લઈ જશે. હું સમજુ છું કે માનવતાવાદી મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવનારી બધી જ શક્તિઓએ એક થઈને લડવાનો સમય પાકી ગયો છે. આતંકવાદના સૌથી મોટા સંકટ સામેની લડાઈમાં માનવતાવાદી શક્તિઓએ સંગઠિત થવું જોઈએ.’

વેબદુનિયા પર વાંચો