ગુજરાતી ભાષા ગુજલીશ બની ગઈ: ૧૦૦૦ શબ્દો અંગ્રેજીનાં ટોળામાં ખોવાયા
શનિવાર, 22 ફેબ્રુઆરી 2014 (12:38 IST)
P.R
આજથી આઠ દાયકા કરતા વધુ સમય પહેલા ધોરણ-૫, ૬ અને ૭ના વિદ્યાર્થીઓ ગુજરાતી વ્યાકરણનું જે પુસ્તક ભણતાં હતાં તે પુસ્તક પૈકીના એક હજાર જેટલા શબ્દો આજે લુપ્ત થઈ ગયા છે. લોકોની બોલીમાંથી પણ એ શબ્દો વિસરાઈ ગયા છે. આ શબ્દો પૈકી મોટાભાગના શબ્દોનો અર્થ હાલની પેઢીને ખબર નથી. ફેસબૂક અને વોટ્સએપ વાપરતી પેઢી માટે તો આ શબ્દો નવાઈ પમાડે એવા છે.
હાલની ગુજરાતી ભાષામાં અનેક શબ્દોનો સમાવેશ થયો છે. આપણી માતૃભાષા ગુજરાતીનું અંગ્રેજી ભાષા સાથે એવું તો સંક્રમણ થયું છે. જેના કારણે ગુજરાતી ભાષા ગુજલીશ બની ગઈ છે. ભાષાનું અધ:પતન થવા પાછળ કેટલાક અંશે આપણી શિક્ષણ પ્રણાલી પણ જવાબદાર છે. હાલની ચોપડીઓમાં અસંખ્ય અંગ્રેજીના શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે. જો દુનિયા સાથે કદમથી કદમ મીલાવવા હશે તો ફાંકડુ અંગ્રેજી બોલતાં આવડવુ જરૂરી છે તેવું નાનપણથી જ બાળકોના મનમાં ઠસાવી દેવાય છે, પણ બાળકને ગુજરાતી ભાષાની ભવ્યતાથી કોઈ પરિચય કરાવતુ નથી. બાળકને નાનપણમાં જ ભાષાનું ગૌરવ લેતા શીખવાડવાની પરિવારની પણ જવાબદારી બને છે.
લેખક પ્રેમચંદ કરમચંદ શાહનું પુસ્તક 'વ્યુત્પત્તિજ્ઞાન પ્રકાશ' ૧૯૨૦થી ૧૯૩૦ના દાયકામાં તૈયાર થયું હતું અને તે સમયે ધોરણ-૫, ૬ અને ૭ના વિદ્યાર્થીઓ માટે વ્યાકરણના પુસ્તક તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હતું. આ વ્યાકરણના પુસ્તકમાં અનેક શબ્દો એવા છે કે જે હાલમાં કોઈ પણ જગ્યાએ ઉપયોગમાં લેવાતા નથી. અંદાજે આ પુસ્તકના એક હજાર જેટલા શબ્દો હાલમાં લુપ્ત થઈ ગયા છે તેવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. અમદાવાદના નિવૃત્ત શિક્ષક રતિલાલ મંડલીએ આ પુસ્તક ૧૯૭૫માં ગુર્જરી બજારમાંથી ખરીદ્યું હતું. તેનો સતત અભ્યાસ કર્યા બાદ તેમને આવા એક હજાર જેવા શબ્દો મળ્યા હતા જે હાલમાં કોઈ જગ્યાએ ઉપયોગમાં જોવા મળતા નથી.
આ અંગે રતિલાલ મંડલીએ જણાવ્યું હતું કે વ્યુત્પત્તિજ્ઞાન પુસ્તકનો અનેકવાર અભ્યાસ કર્યા બાદ મને તેમાંથી ૧૦૦૦થી પણ વધુ શબ્દો એવા મળી આવ્યા હતા જેનો હાલ લોક બોલીમાં ક્યાંય ઉપયોગ થતો નથી. એટલું જ નહીં હાલની પેઢીને જો આ શબ્દોના અર્થ વિશે પૂછીએ તો તેઓ માથું ખંજવાળતા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. અંગ્રેજી જરૂરી છે તે વાતનો ઈનકાર નથી પરંતુ તેના લીધે માતૃભાષાને વિસરી જવી તે યોગ્ય નથી.