સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં કોંગ્રેસના 24 કલાકના ઉપવાસ, હાર્દિકના સમર્થનમાં વધારો
શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (12:53 IST)
હાર્દિક પટેલના ઉપવાસને આજે 14મો દિવસ છે. ત્યારે હાર્દિકને સૌરાષ્ટ્રભરમાંથી સમર્થન મળી રહ્યું છે. આજે આમાં કોંગ્રેસ પણ જોડાઇ છે. સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના વડા મથક શહેરમાં કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફ મુદ્દે 24 કલાકના ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં આજે કોંગ્રેસના કાર્યકરો ઉપવાસ પર બેઠા હતા અને ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ પ્રજા અને ખેડૂત વિરોધી માનસ ધરાવે છે. ગાંધી ચિંધ્યા માર્ગે 24 કલાકના ઉપવાસ કરીશું. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણ દિવસથી હાર્દિકને અલગ અલગ રીતે સમર્થન મળી રહ્યું છે. કોઇ ઉપવાસ આંદોલન કરી રહ્યું છે, કોઇ મુંડન કરાવી રહ્યું છે તો સ્કૂલ બસો રોકી શાળા-કોલેજમાં રજા પણ પાડવામાં આવી રહી છે. આજે રાજકોટમાં આત્મિય કોલેજ પાસે 300 પાટીદાર વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્યથી અલિપ્ત રહી જય સરદારના નારા સાથે હાર્દિકને સમર્થન આપ્યું હતું. આજે ભાવનગરના નારી ગામે બહેનોએ થાળીનાદ કરી હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. બોટાદ તાલુકા સેવા સદન પાસે હાર્દિકના સમર્થકોએ ચક્કાજામ કર્યો હતો. યુવાનોએ સ્કૂલે જતી બસો રોકવામાં આવી હતી. તેમજ 50 જેટલા વિદ્યાર્થીઓ પણ આમાં જોડાયા હતા. એક કલાક સુધી સ્કૂલ બસો રોકી દેવામાં આવતા ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસને જાણ થતા દોડી આવી હતી અને હાર્દિકના સમર્થકો અને વિદ્યાર્થીઓને ખસેડ્યા હતા અને સ્કૂલ બસોને જવા દીધી હતી. એક સમર્થક તો રસ્તા પર સૂતો જોવા મળ્યો હતો. અમરેલીમાં હાર્દિકના સમર્થનમાં પાટીદાર યુવોના મેદાનમાં ઉતર્યા છે. શહેરની શાળા-કોલેજો બંધ કરાવા પ્રયાસ કર્યો હતો. વિદ્યા સભા કેમ્પસની તમામ શાળા-કોલેજો બંધ કરાવી હતી. વિદ્યાર્થીઓ અને પાટીદાર યુવકો ભારે આક્રોશ સાથે શાળા-કોલેજો બંધ કરાવવા નિકળતા પોલીસ પણ શાળા-કોલેજ ખાતે પહોંચી ગઇ હતી.