કોંગ્રેસના યુવરાજને ગુજરાતનો વિકાસ દેખાતો નથી - યોગી આદિત્યનાથ
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (14:47 IST)
ભાજપના ચૂંટણીપ્રચાર અર્થે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી જે અમેઠીની બેઠક ઉપરથી ચૂંટણી લડે છે તે બેઠક ઉપરથી અગાઉ ઈન્દીરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા છે અને તેમ છતાં અમેઠીમાં કલેક્ટર કચેરીનું નિર્માણ કરી શક્યા નથી. યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાતનો વિકાસ દેખાતો જ નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયથી જ ગુજરાત તેમજ દેશનો વિકાસ થયો છે.
અમદાવાદની સાબરમતી નદીમાં કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચારને કારણે પાણી સુકાઈ ગયું હતું પરંતુ ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન તરીકે હતા ત્યારે મોદીજીએ પાણી વહેતું કર્યું હતું. યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા અને રજવાડાને એક કરીને દેશને એકતાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલને કોંગ્રેસે ભારતરત્ન આપવામાં પણ ઉદાસીનતા દાખવી હોવાના આક્ષેપો કર્યા હતા. આ સભામાં ભાજપાના કાર્યકરો તેમજ પોરબંદર વિધાનસભાની બેઠક પરના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.