મતદાનના માત્ર 10 દિવસ બાકી પણ બંને પક્ષના ચૂંટણી ઢંઢોરાના ઠેકાણા નથી

ગુરુવાર, 30 નવેમ્બર 2017 (12:55 IST)
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે માત્ર ૯ દિવસ બાકી રહ્યા છે છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં નહી આવતા લોકોના મનમાં અનેક શંકા-કુશંકાઓ જાગી છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરી એકબીજા ઉપર કાદવ-કિચડ ઉછાળવાની હરીફાઇ જામી છે પરંતુ પોતે શું કરવાના છે તે અંગેની વાત જણાવતા બંને પક્ષો દુર ભાગી રહ્યા હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે. ભાજપ અને કોંગ્રેસ પાટીદાર અનામતને લઇને એવી રીતે ફસાઇ ગઇ છે કે બંને પક્ષો હજુ સુધી ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકયા નથી. કોંગ્રેસે ગાંધી પરિવારના વફાદાર એવા શામ પિત્રોડાને આ માટેની જવાબદારી સોંપી હતી પરંતુ ચૂંટણી ઢંઢેરો હજુ સામે આવ્યો નથી.

પરિસ્થિતિ એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેના નેશનલ લેવલના બે ડઝનથી વધુ નેતાઓ ગુજરાત આવી ગયા છે, ભાષણો કરી ગયા છે, લોકોને મળી ગયા છે પરંતુ ચૂંટણી ઢંઢેરા વગર જ હવામાં વાતો કરી છે. ગુજરાતમાં ૯મી અને ૧૪મીએ એમ બે તબક્કે ચૂંટણી યોજાવાની છે અને પરિણામો ૧૮ ડિસેમ્બરે આવવાના છે. પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ૯ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે મતદારોને હજુ સુધી એ ખબર નથી કે બંને પક્ષો પોતાની સરકાર બનવા પર લોકોના કયાં મુદા ઉપર ધ્યાન આપશે, સરકારની પ્રાથમિકતા શું હશે ? સમગ્ર ગુજરાતમાં પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યુ છે છતાં બંનેમાંથી એકપણ પક્ષે હજુ કહ્યુ નથી કે તેમનો ચૂંટણી ઢંઢેરો કયારે બહાર પડશે. એવુ માનવામાં આવે છે કે ભાજપ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની રાહ જોઇ રહ્યો છે. કોંગ્રેસે ઇનડાયરેકટલી હાર્દિક પટેલનું સમર્થન સ્વીકારી લીધુ છે પરંતુ અનામતનું ફોર્મેટ શું હશે તેનો હજુ ખુલાસો નથી કર્યો તો ભાજપ એ ગણમથલમાં છે કે કોંગ્રેસનો મુસદો સામે આવે તો તે પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેનો જવાબ આપે. ભાજપના ઉમેદવારો વિકાસ બતાડી રહ્યા છે તો કોંગ્રેસ પાટીદાર અનામતને વટાવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર