અમિત શાહને લઈને કૅનેડાના મંત્રીના દાવા અને રાજદૂતોની નિગરાની પર ભારતે શું કહ્યું

રવિવાર, 3 નવેમ્બર 2024 (10:17 IST)
કૅનેડાના નાયબ વિદેશ મંત્રીના એ દાવા પર ભારતે કડક પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે કૅનેડાના નાગરિકોને ધમકી આપવાના કે તેમની હત્યા કરવાના અભિયાનને ભારત સરકારના એક વરિષ્ઠ મંત્રીએ મંજૂરી આપી હતી.
 
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટમાં 14 ઓક્ટોબરે એક અહેવાલ પ્રકાશિત થયો હતો. આ અહેવાલમાં અખબારે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે ભારતના ગૃહમંત્રી અમિત શાહે કેનેડામાં શીખ અલગતાવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો હતો.
 
નાયબ વિદેશ મંત્રી ડેવિડ મૉરિસને ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નામ આપ્યું અને સ્વીકાર કર્યો કે તેમણે જ અમિત શાહનું નામ અમેરિકન અખબારને લીક કર્યું હતું.
 
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહ પર લગાવાયેલા આરોપોને તેમણે ‘નિરાધાર’ ગણાવ્યા.
 
અગાઉ કૅનેડા તરફથી લગાવાયેલા આરોપોને અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યૂ મિલરે પણ ‘ચિંતાજનક’ ગણાવ્યા હતા.
 
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શનિવારે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં કૅનેડાના ઉપ વિદેશ મંત્રીના ભારતીય ગૃહ મંત્રી અમિત શાહ પર લગાવેલા આરોપોને નિરાધાર ગણાવ્યા.
 
તેમણે કહ્યું, “અમે કાલે કૅનેડા સાથે જોડાયેલા નવા મામલામાં કૅનેડાના દૂતાવાસના પ્રતિનિધિને સમન્સ બજાવ્યું હતું. તેમને એક રાજનાયિક નોટ તેમને સોંપવામાં આવી જેમાં 29 ઑક્ટોબર, 2024ના રોજ ઓટાવામાં સાર્વજનિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા પર સ્થાયી સમિતિની કાર્યવાહીનો સંદર્ભ આપવામાં આવ્યો.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર