સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો , 24 કલાકમાં 24 સેમીનો વધારો

બુધવાર, 24 જુલાઈ 2019 (11:56 IST)
નર્મદા: રાજ્યમાં હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 121.96 મીટરે પહોંચી છે. ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે. હાલ ગુજરાતના ખેડૂતો માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં ડેમની સપાટી 24 સે.મી. વધી છે. નર્મદા ડેમમાં 1690 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. MPના 2 ડેમના પાવર હાઉસ શરૂ રહેતા પાણીની આવક સારી એવી થઇ રહી છે. 
 
મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે.
 
સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે ડેમની જળ સપાટી 121 મીટરને પાર કરી ગઈ છે. અને સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1400.98 મિલીયન ક્યુબીક મીટર જઇને પાછો આવ્યો છે. 
 
ઉપરવાસમાંથી  પાણીની આવક શરૂ થઈ જતાં ડેમનાં CHPH પાવર હાઉસનાં 3 યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. જેમાં કુલ મળીને 24 કલાક માં 1123.57 વીજળીનું ઉત્પાદન શરૂ થઈ છે. હાલ રાજ્યને નર્મદાની મુખ્ય કેનાલમાંથી 7043 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર