આવકવેરા વિભાગની પકકડમાં મોટાભાગે વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને કયારેક ડોકટરો આવતા હોય છે. નેતાઓ, અધિકારીઓ અથવા વકીલો પર દરોડા ભાગ્યે જ પડે છે. પરંતુ, હવે સમય બદલાઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાના 182માંથી 40% ધારાસભ્યોને આવકવેરા વિભાગની નોટીસ મળી છે. 2017ની ધારાસભાની ચૂંટણી વખતે તેમણે જાહેર કરેલી આવક-સંપતિ અને રિટર્નમાં દર્શાવેલી વિગતો એકસરખી નહીં જણાય તો તેમને ખુલાસો કરવા જણાવાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ અને કોંગ્રેસ બન્નેના 70 ધારાસભ્યોને આવી નોટીસ મળી છે.
રાજકીય નિરીક્ષકોના જણાવ્યા પ્રમાણે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યો અથવા સાંસદોને નોટીસ આપવામાં આવી હોય તેવું પ્રથમવાર બન્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બાબતે જણાવ્યું હતું કે કેટલાય ધારાસભ્યોને આઈટી નોટીસ અપવામાં આવી હોવાની મને જાણ છે. લોકપ્રતિનિધિઓ તરીકે પ્રક્રિયાનું પાલન કરવાની અમારી ફરજ છે. રૂપાણીએ જણાવ્યું હતું કે ભારતના ચૂંટણીપંચે આવકવેરા વિભાગને ઉમેદવારોની એફીડેવીટની ચકાસણી કરવા જણાવ્યું હતું. આથી વિભાગે વિગતોની ખરાઈ કરવા નોટીસ આપ્યાનું શરુ કર્યું હશે. મને કોઈ નોટીસ મળી નથી. આવકવેરા વિભાગની નોટીસો ધારાસભ્યોને મળવા લાગતા પાટનગરમાં રાજકીય આંચકા અનુભવાયા છે. નોટીસના કારણે હરકતમાં આવી ગયેલા ધારાસભ્યોએ મદદ માટે પોતાના ટોચના નેતાઓનો સંપર્ક સાધ્યો છે. ગુજરાતમાં આવકવેરા વિભાગના સીનીયર અધિકારીઓને તોડી ધારાસભ્યોને નોટીસ આપવામાં આવી હોવાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે પ્રાઈવસી નિયમોને ટાંકી આવા ધારાસભ્યોના નામ આપવા ઈન્કાર કર્યો હતો. ચૂંટણી અગાઉ પંચ દ્વારા બનાવાયેલી વિજીલન્સ ટીમમાં આવકવેરા વિભાગના અધિકારીઓ પણ હતા. ઉમેદવારીપત્ર સાથે રજુ કરવામાં આવેલી એફીડેવીટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્યોને તેમના રિટર્નમાં દર્શાવેલી આવક-સંપતિની વિગતો અને સોગંદનામામાં જણાવાયેલી હકીકતો વચ્ચેની વિસંગતતાનો ખુલાસો કરવા સમય અપાયો છે. ધારાસભ્યો તરફથી સંતોષકારક ખુલાસો નહીં મળે તો આગળની પ્રક્રિયા હાથ ધરાશે.