પરેશ રાવલ બાદ મંત્રી રૂપાલાનો બફાટઃ ભાજપમાં સોંપો પડી ગયો
શનિવાર, 17 નવેમ્બર 2018 (12:57 IST)
ભાજપમાં કાર્યકરોમાં અંદરોઅંદર એવી ખેંચતાણ ચાલે છે કે વિધાનસભામાં આખા જિલ્લાની પાંચેય બેઠકો હારી ગયા. ભારત સરકારના કૃષિ રાજ્યમંત્રી પુરષોત્તમ રૂપાલાએ જાહેરમાં આ પ્રકારના નિવેદનો કર્યા છે. આથી, ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં ચાલતા કકળાટમાં કેરોસીન છંટાયાનો વિવાદ વધુ ભડકે બળ્યો છે.
અમરેલીમાં શુક્રવારે યોજાયેલા ભાજપના નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં રૂપાલાએ કાર્યકરોને શુભેચ્છાઓ આપવાને બદલે ઉધડો લઈ લીધો હતો. નવા વર્ષના સંબોધન રૂપાલાએ કહ્યુ કે, ”માત્ર કામ કરવાથી કોઈ મત આપતુ નથી. કામ કરવાથી મત મળતા હોત તો હું હાર્યો ન હોત” આ બફાટથી સ્થાનિક નેતાઓ, ભાજપમાંથી નિમાયેલા અમરેલી લોકસભાના પ્રભારી સહિતના હોદ્દેદારોને નીચું મોઢું કરવું પડયું હતું.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ તો વર્ષ 1995 અને 2001માં પાકવીમો અપાવ્યો છતાંય ભાજપને મત ન મળ્યાનું સ્ફોટક નિવેદન કરીને મગફળી વેચવા લાઈનમાં ઊભા રહેલા ખેડૂતોને ઉશ્કેર્યાનું પણ સ્થાનિક કાર્યકરોએ જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતાઓમાં જાણે બેફામ નિવેદનબાજીની હરિફાઈ જામી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે બોલકા રૂપાલાજીએ ચોખ્ખું કહી દીધું કે ભાજપમાં જ આતંરિક વિખવાદ છે, રૂપાલાએ પોતાના શબ્દોમાં કહ્યું કે અમરેલી જિલ્લાની તમામ 5 વિધાનસભા બેઠક પર ભાજપની હારનું કારણ આંતરિક વિખવાદ છે, આ અંદરોઅંદરની લગામારીના કારણે થઇ હાર. રૂપાલાએ તો ત્યાં સુધી કહી દીધું કે ભાજપ કાર્યકરોને એકબીજાના મોઢા જોવા નોતા ગમતા. આ વિખવાદથી કોંગ્રેસ ફાવી ગઇ અને કોંગ્રેસના નેતા માટી પગા અને પોણીયા છે.