લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનતાં સદીઓ પહેલાનો સામુદ્રિક વ્યાપારી વારસો ઉજાગર થશે

સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (11:11 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલા બજેટને જન-જનનું, હરેક વર્ગ, હરેક સમાજને આવરી લેતું જનહિતાય બજેટ ગણાવ્યું હતું. આ બજેટને આવકારતાં કહ્યું કે, ગુજરાતને આ બજેટમાં જાહેર થયેલી નવી યોજનાઓથી ખૂબ લાભ મળવાનો છે. ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરવાની જાહેરાતથી વિશ્વભરના વેપાર કારોબારને ગુજરાતમાં નવું બળ મળશે એ માટે પણ વિજય રૂપાણીએ પ્રધાનમંત્રીનો આભાર પ્રગટ કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, દેશની ઐતિહાસિક વિરાસતોને આઇકોનિક રી-ડેવલપ કરવા માટેની જાહેરાતમાં કચ્છના ધોળાવીરાનો સમાવેશ કરીને કચ્છ અને આ પુરાતત્વીય સાઇટને વર્લ્ડ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની તક મળશે.

આ ઉપરાંત લોથલમાં મેરિટાઇમ મ્યુઝિયમની જાહેરાત કરીને જે નાણાં ફાળવ્યા છે, તેનો ઉલ્લેખ કરતાં વિજય રૂપાણીએ કહ્યું કે, લોથલના પૌરાણિક બંદરને અને સદીઓ પહેલાંના સામુદ્રિક વેપારને આ મ્યુઝિયમમાં ઉજાગર કરાશે. તેમણે નેશનલ ગ્રિડનો ૨૭ હજાર કિલોમીટરનો વ્યાપ વધારવાની બજેટમાં થયેલી જાહેરાત સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતને આનો મોટો લાભ થશે. અત્યારે ગુજરાત દેશમાં આવી ગ્રિડના વ્યાપમાં લીડ લઇ રહ્યું છે હવે, ગુજરાતની ગેસ કંપનીઓને નેશનલ ગ્રિડનો લાભ મળશે.

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિથી આગળ વધારવા માટે બજેટમાં અપાયેલા વિશેષ ઝોક માટે આભાર વ્યક્ત કરતાં એમ પણ કહ્યું છે કે, આ બજેટમાં નાના અને મધ્યમ વર્ગના નાગરિકોને પાંચથી પંદર લાખ સુધીની આવક પરના કરમાં જે છૂટછાટ આપવામાં આવી છે તેનાથી લોકોના પૈસાનું સેવિંગ થશે અને પરચેઝ પાવર વધારવામાં તે ઉપયોગી બનશે. અગાઉ કોર્પોરેટ ટેક્સમાં સરકારે ઘટાડો કર્યો છે અને હવે વ્યક્તિગત કરદાતાને પણ રાહત આપીને કોર્પોરેટ સેક્ટર અને વ્યક્તિગત કરદાતા બંને માટે પૈસાનું સેવિંગ થઇ શકે અને ઇકોનોમી બૂમ થઇ શકે તેવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.

વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોને પણ આ બજેટમાં વિશેષ ફોક્સ કરવામાં આવ્યા છે. ખેડૂતો ઇન્ટરનેશનલ કક્ષાએ પોતાના માલની ખપત કરાવી શકે. ઉપરાંત વેરહાઉસ અને સોલારપંપથી માંડીને ખેડૂતલક્ષી સુવિધાઓ દ્વારા પોતાની આવક બમણી કરી શકે તેવો લક્ષ્યાંક પણ આ બજેટમાં છે. ‘‘આ બજેટમાં પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી ભારત બને તે માટેનું રિફલેક્શન થયુ છે.’’

આ બજેટ અંતર્ગત સોશિયલ સેક્ટરમાં જે રીતે ફોક્સ કરવામાં આવ્યુ છે, તેના પરિણામે શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઇરિગેશનનો વ્યાપ વધશે તેમ જણાવ્યું છે. એટલુ જ નહીં વનવાસી, પીડિત શોષિત, ગરીબ, ગ્રામીણ હરેક વ્યક્તિનો વિચાર કરીને ઘડાયેલું બજેટ છે.  

તેમણે પશુધન, દૂધ ઉત્પાદન બમણું, ફિશરીઝ દ્વારા બ્લ્યુ ઇકોનોમીને પ્રોત્સાહન તથા ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ બધાના સર્વગ્રાહી વિકાસનું આ બજેટ છે તેવો મત વ્યક્ત કર્યો છે. વિજય રૂપાણીએ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે, ઓ.બી.સી. માટે, પર્યાવરણ જાળવણી માટે તથા નવા એરપોર્ટ, ડિજિટલ કનેક્ટિવીટી, ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન અને જિલ્લાને એક્સપોર્ટર બનાવવા તેમજ સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપનારૂ સર્વગ્રાહી લોકોપયોગી અને જન-જનનું બજેટ ગણાવ્યું હતું.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર