અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ બાદ હવે પાટીદારોનું આંદોલન તેજ બનશે
સોમવાર, 10 ડિસેમ્બર 2018 (11:45 IST)
રાજદ્રોહના કેસમાં ત્રણ માસ કરતા વધુ સમય જેલમાં રહ્યાં બાદ પાસના નેતા અલ્પેશ કથિરીયા આજે જેલ મુક્ત થતાં પાટીદારોએ સંકલ્પ યાત્રા કાઢી હતી. તેની મુક્તિ બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિતના અનેક પાટીદારો લાજપોર જેલ ખાતે હાજર રહ્યાં હતા. જ્યાં હાર્દિક પટેલે અલ્પેશ કથિરીયાને અનામત આંદોલનનો પોસ્ટર બોય ગણાવ્યો હતો. જોકે, અલ્પેશે પોસ્ટર બોય નહીં પણ સમાજ સાથે રહીને બેવડા જોરમા આંદોલન કરશે તેવી વાત કરી હતી. પાટીદારોની સંકલ્પ યાત્રામાં ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરાયા હતા. પાટીદાર અનામત આંદોલન બાદ રાષ્ટ્રદ્રોહના કેસમાં સુરતના પાસના નેતા અલ્પેશ કથિરીયાને સાબરમતી અને લાજપોર જેલ મોકલાયો હતો. જેલમાં ત્રણ માસ કરતાં વધુ સમય રહ્યાં બાદ તેની જામીન મુક્તિ કરવામાં આવી હતી. આ સમયે અલ્પેશના પરિવારના સભ્યોએ તેને તિલક કરીને વધાવ્યો હતો. તેમની સાથે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સાથે મોટી સંખ્યાામં પાટીદાર યુવાનો જોડાયા હતા. પાટીદાર યુવાનોએ સુરતના ઉધના દરવાજાથી વરાછા સુધી સંકલ્પ યાત્રા યોજી હતી. હાર્દિક પટેલે કહ્યું હતું, સમાજ જે નેતૃત્વ સ્વીકારશે તે જ નેતૃત્વ કરશે. આજે હું કહું છું કે, અલ્પેશ આંદોલનનો ચહેરો બનશે, તે જે કહે છે તેમ આગળ વધીશું. જેલમાંથી મુક્ત થયા બાદ અલ્પેશે કહ્યું હતું કે, આંદોલનમાં પોસ્ટર બોયની વાત નથી, સમાજ જે કહેશે તે જ રીતે અમે કામ કરીશું. તેણે વધુમાં કહ્યુ હતું કે, હું ત્રણ મહિના જેલમાં રહ્યો છું મને છ મહિનાની ગણતરી હતી પરંતુ સરકારે વહેલી મુક્તિ કરી દીધી છે. મરાઠા સમાજને અનામત મળ્યું એટલે અમારી લડાઈ વધુ વેગવંતી બનશે. તેણે સરકારનો આભાર માનતાં કહ્યું હતું કે, સરકારે સાબરમતિ અને લાજપોર યુનિર્વસીટીમાં એડમીશન કરાવ્યુ ત્યાં મને ઘણું શિખવાનો સમય મળ્યો છે તેના માટે ભાજપનો પણ આભાર માનું છું. આ યાત્રામાં મોટી સંખ્યમાં પાટીદાર યુવાનો જોડાયા હતા જ્યાં મીનીબજાર ખાતે સરદારની પ્રતિમાને ફુલ હાર કરીને જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા હતા. આ યાત્રામાં ભાજપ વિરોધી નારા જોરશોરમાં સાંભળવા મળ્યા હતા.