પેપર લીક કાંડમાં અમિત શાહ લાલઘૂમ, ભાજપના આ નેતાનો ક્લાસ લીધો

શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (11:53 IST)
ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસ ગુજરાત ની મુલાકાતે તો આવ્યા પરંતુ સોમનાથ સુધી જ સીમિત રાહયા. સામાન્ય સંજોગો માં તેઓ ગુજરાત મુલાકાત દરમ્યાન રાત્રી રોકાણ અમદાવાદ ના નિવાસ્થાને કરતા હોય છે. જો કે આ વખતે તેઓ સોમનાથ થી જ રવાના થઈ ગયા. સૂત્રો પર થી મળતી માહિતી પ્રમાણે તેઓ હાલમાં ગુજરાત માં ચાલી રહેલી પ્રવર્તમાન પરિસ્થિતિ થી ખૂબ નારાજ છે. પેપરલીક મુદ્દે એમને પ્રદેશ અધ્યક્ષ જીતુ ભાઈ વઘાણી સાથે પણ ચર્ચા કરી હતી.ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા કેટલાક સમયથી શરૂ કરાયેલી સરકારી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો ફૂટી જવાના તેમજ ભરતીઓમાં પણ ગોઠવણથી નોકરી મેળવવા બહાર આવેલા કૌભાંડો બાદ ગૃહ વિભાગની એલઆરડી ભરતી માટે યોજાયેલી પરીક્ષાને પ્રશ્નપત્ર ફુટી જવાથી રદ કરવામાં આવ્યું છે. 
આને લીધે ભાજપ સરકાર પર ચારેતરફથી ભીંસ વધી છે. આ જ તાકડે સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં પોતાનું રોકાણ લંબાવવાને બદલે ત્યાંથી જ સીધા નવી દિલ્હી તરફ પ્રયાણ કરી જતાં તરેહતરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.પાંચ રાજ્યોના ઘનિષ્ઠ ચૂંટણી પ્રચાર પ્રવાસ સંપન્ન કરી ભાજપ અધ્યક્ષ અમિતભાઇ બુધવારે સાંજે જ અજમેરથી સીધા કેશોદ આવી ગયા હતા. ત્યાંથી સોમનાથ દાદાના દર્શન કરી સ્થાનિક ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત રાજસ્થાનના પ્રવાસેથી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ સીધા સોમનાથ પહોંચ્યા હતા. 
આ બન્ને નેતાઓ પાસેથી અમિતભાઇએ પેપરલીક કૌભાંડની વિગતો મેળવી હતી. જોકે, સમગ્ર પરિસ્થિતિને જે રીતે હેન્ડલ કરવામાં આવી રહી છે તેનાથી અમિતભાઇને ખાસ સંતોષ થયો ન હતો એવું જાણકારો કહી રહ્યા છે. સામાન્ય રીતે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓના પ્રવાસ સંપન્ન કર્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ થોડોક સમય પરિજનો સાથે પસાર કરવા ગુજરાત આવતા હોય છે. પરંતુ આ વખતે તેમણે રોકાણ કરવાને બદલે સીધા સોમનાથથી દિલ્હીની વાટ પકડતાં કેટલાક સમયથી ચાલી રહેલી અનેક પ્રકારની ચર્ચાઓમાં એક નવુ પાસું ઉમેરાયું છે. દરમિયાન, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને સંગઠન મહામંત્રીએ અમિતભાઇને વિદાય આપી સીધા ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકોની સમીક્ષા યોજવામાં આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના પ્રધાનો, જિલ્લાના આગેવાન કાર્યકરો, નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારે પ્રદેશ આગેવાનોની એક બેઠક શ્રીકમલમ્‌ ખાતે મળનાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર