પોલીસે દિલ્હીની ગેંગે પેપર ફોડવાની વાત ઉપજાવી કાઢી ? દક્ષિણ ભારતના ભાજપના નેતાના પ્રેસમાં પેપર છપાયું હોવાની ચર્ચાઓ

ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (15:00 IST)
લોકરક્ષક ભરતી પરીક્ષાના પેપર લીક થવાના વિવાદાસ્પદ પ્રકરણમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર દક્ષિણ ભારતના ભાજપના મોટા ગજાના નેતાના પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયું હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જેને પગલે ભાજપના નોતાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બીજીતરફ પોલીસ સરકારને ઈશારે આખી વાતનું ઠીકરૃ દિલ્હીની પેપર લીક ગેંગ પર ફોડવાનો ભરપુર પ્રયાસ કરી રહી હોવાનું લાગી રહ્યું છે.
લોકરક્ષક ભરતી પરીક્ષાનું પેપર દક્ષિણ ભારતના બેંગલોર નજીકના એક પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયું હોવાનું અને આ પ્રેસમાં અહીંના ભાજપના ટોચના નેતાની ભાગીદારી હોવાની ચર્ચાએ ગાંધીનગરમાં જોર પકડયું છે. પેપર લીક કૌભાંડની તપાસમાં કદાવર રાજકીય નેતાઓને બચાવવા માટે પોલીસ દ્વારા આખી ઘટનાને આડા પાટે ચઢાવીને ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે. 
આ પેપર લીક કેસમાં જ્યારે સૌપ્રથમ મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે પોલીસે કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દેખાવ ઉભો કર્યો હતો. પોલીસે તમામ જીલ્લાના જે સ્ટ્રોંગરૃમમાં પેપર રખાયા હતા તેની તપાસ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે પેપર કયા પ્રિન્ટીંગ પ્રેસમાં છપાયું તે અંગે તપાસમાં અવરોધ ઉભો ન થાય તેમ કહીને ચુપકીદી સેવી હતી. ઘટનાના આટલા દિવસ બાદ પણ પોલીસે આ ચુપકીદી તોડી નથી. તે સમયે પોલીસે લોકરક્ષક ભરતી બોર્ડ પેપર ક્યાં છપાવવું તે નક્કી કરતી હોવાનું જણાવ્યું હતું. જો પોલીસ તમામ સ્ટોંગરૃમની તપાસ કરી શકતી હોય તો જ્યાંથી પેપર લીક થયું હોવાની શંકા છે તે પ્રિન્ટીંગ પ્રેસ સુધી કેમ નથી પહોંચી તે ચર્ચાએ પણ જોર પકડયું છે.
બીજીતરફ પોલીસે શરૃઆતમાં જ લીક થયેલું પેપર દિલ્હીથી લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પેપર લીક કરવામાં દિલ્હીની પેપરલીક ગેંગનો હાથ હોવાનું જણાવ્યું હતું. આ ગેંગ ગુજરાત જ નહી પરંતુ અન્ય રાજ્યોમાં પણ પેપર ફોડતી હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓએ આ ગેંગના કયા સભ્ય પાસેથી પેપર ખરીદ્યા તે કેમ જાણી શકતી નથી.

તે સિવાય લોકરક્ષક પરીક્ષા ભરતી બોર્ડ દ્વારા દિલ્હીની એક કંપનીને આઉટ સોર્સિંગનું કામ સોંપવામાં આવ્યું હતું. કઈ કંપનીને આ કામ સોંપાયુ હતું તે અંગે પોલીસ હરફ પણ ઉચ્ચારતી નથી. આમ પોલીસ દિલ્હીની પ્રોફેશનલ પેપર ફોડ ગેંગ સંડોવાયેલી હોવાની વાત ઉપજાવી કાઢીને આખીય ઘટનાનું ધ્યાન બીજે દોરવામાં કાર્યરત હોય તેવું જણાઈ રહ્યું છે. આ કૌભાંડમાં કેટલાક પોલીસ અધિકારીઓની શંકાસ્પદ ભુમિકા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર