બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થતાં માર્કેટયાર્ડ માં નુકસાન થયું હોવાની ઘટનાઓ સામે આવી છે. જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહ્યો હતો. પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસ પલળી જતા વેપારીઓ અને ખેડૂતો ને મોટુ નુકસાન થયું છે. બીજા દિવસે પણ ડીસા, લાખણી, દિયોદર, કાંકરેંજ, ભાભર, ધાનેરા, પાલનપુર, ભાભર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ નોધાયો હતો. સતત બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે જેના કારણે પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં વરસાદના કારણે અનાજની બોરીઓ પલળી ગઇ છે. પાલનપુરમાં માર્કેટયાર્ડની હજારો બોરીઓ પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. જ્યારે ઇકબાલગઢ માર્કેટયાર્ડ માં પણ ખુલ્લામાં રહેલો કપાસ પાલડી જતાં વેપારીઓને નુકસાન થયું છે.