ગેરકાયદે પાર્ક કરાયેલા કુલ 49 વાહનોને તાળા મારી કુલ 24500નો દંડ વસુલાયો
Tire killer bump on Ahmedabad road - શહેરમાં ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે જેગુઆર કારથી 9 લોકોનો ભોગ લીધો હતો. આ ભયાનક અકસ્માત બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી હતી. હાલમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ટ્રાફિક નિયમો તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 22 જુલાઈથી 02 ઓગસ્ટ સુધીના કેસના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ટ્રાફિક વિભાગે 11 દિવસમાં 1379 કેસ નોંધ્યા છે. પરંતુ હવે પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે નવું હથિયાર ચલાવ્યું છે. જે લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવશે તેના વાહનનું ટાયર ફાટી જશે.
અમદાવાદમાં AMCના ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા રસ્તાઓ પર સરળ ટ્રાફિક પરિવહન જળવાઇ રહે તે હેતુસર જુદી-જુદી કામગીરીઓ જેવી કે, રોડ માર્કીંગ, રોડ સાઇનેજીસ વિગેરે કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીનત્તમ અભિગમનાં ભાગરૂપે શહેરનાં રસ્તાઓ પર ટ્રાફિક સુચારૂરૂપે કાર્યરત રહે તે માટે વન વે ટ્રાફીક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કીલર બમ્પ) ઈન્સ્ટોલ કરવાની કામગીરી પ્રયોગિક ધોરણે શહેરનાં ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે ચાણકયપુરી બ્રીજનાં સર્વિસ રોડ પર હાથ ધરાયેલ છે. આવનાર સમયમાં શહેરમાં ટ્રાફીકનાં યોગ્ય પરિવહન માટે વધુ સઘન અને અસરકારક કામગીરીઓ હાથ ધરવામાં આવશે.
રોંગ સાઈડ વાહન ચલાવવાના 162 કેસ નોંધાયા
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ અમદાવાદમાં હાથ ધરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 1379 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી ઓવર સ્પિડના 695 કેસ, નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના 673 કેસ, રેસિંગના 368 કેસ નોંધાયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 316 કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવાના 162 કેસ નોંધાયા છે.દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિક પોલીસના સહયોગથી સરખેજ તથા જોધપુર વોર્ડમાં આવતા ઇસ્કોન ચાર રસ્તાથી કર્ણાવતી ક્લબ ચાર રસ્તા થઈને ઉજાલા સર્કલ સુધીના એસજી હાઈવેની બંને તરફના સર્વિસ રોડ ઉપર ગેરકાયદે પાર્ક કરાયેલા કુલ 49 વાહનોને તાળા મારી કુલ 24500નો દંડ વસુલાયો હતો.