ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર આદિવાસી બેઠકો પર, મોદી 1 લાખ આદિવાસીઓને સંબોધન કરશે

શુક્રવાર, 28 ઑક્ટોબર 2022 (09:47 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે અને જોરદાર તૈયારી કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારથી લઈ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે, ત્યારે ભાજપની નજર હવે આદિવાસી બેઠકો પર છે. આદિવાસી મતદારોને આકર્ષવા માટે પીએમ મોદી આગામી 1 નવેમ્બરના રોજ એક જંગી જનસભા સંબોધવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરના રોજ રાજસ્થાનના બાંસવાડા ખાતે આવેલા માનગઢ ધામ ખાતે એક વિશાળ જનસભાને સંબોધશે.

માનગઢ ધામ યોજાવા જઈ રહેલી વિશાળ જનસભામાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના અંદાજીત 1 લાખ આદિવાસી સમાજના લોકો હાજર રહેશે. વડાપ્રધાન મોદીની જનસભા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ અપાયું છે. આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાજપના પ્રદેશ પ્રમુખો પણ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે માનગઢમાં 109 વર્ષ પહેલા સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પીએમ મોદી આદિવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી એક મોટી વોટ બેંકને આકર્ષવાનું કામ કરશે. બાંસવાડા જિલ્લાના માનગઢ ધામને આદિવાસીઓ પવિત્ર ધામ માને છે. નરેન્દ્ર મોદી 10 વર્ષ પહેલા જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અહીં આવ્યા હતા.

રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલ માનગઢ આદિવાસીઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે, અહીં આયોજિત થનારા કાર્યક્રમની ગૂંજ 3 રાજ્યોના આદિવાસી વિસ્તારો સુધી પહોંચશે અને આ જ કારણ છે કે ભાજપે એક મોટો કાર્યક્રમ અહીં આયોજિત કરવા માટે પ્લાન તૈયાર કર્યો છે. આ કાર્યક્રમ મધ્યપ્રદેશની દૃષ્ટિએ પણ મહત્વનો બની રહેશે.ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 27 બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત છે. આ બેઠકો પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠકો રહી હતી, પછી એ વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની. કોંગ્રેસનો પ્રચાર, પણ આ જ વિસ્તારમાંથી શરૂ થતો હતો. 2001માં નરેન્દ્ર મોદીએ વનબંધુ યોજનાના નામથી આદિવાસી વિસ્તારમાં વિકાસનાં કામો કર્યાં એટલે ધીમે ધીમે કેટલાક આદિવાસી વિસ્તારના મતદારો કોંગ્રેસને બદલે ભાજપ તરફ સરકવા લાગ્યા, પણ ભાજપ આદિવાસીઓને સંપૂર્ણપણે પોતાના તરફ ખેંચી શક્યું નહીં. આદિવાસી ઉમેદવારો માટે 27 સીટ ભલે અનામત રહી પણ વિધાનસભાની 40 જેટલી બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર