અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા બેનાં મોત, ત્રણને ઇજા

શુક્રવાર, 19 એપ્રિલ 2024 (11:52 IST)
wall collapsed near Dada Harini Vav in Ahmedabad
 અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડતાં પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી લીધા હતા. જેમાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
 
ફાયર બ્રિગેડની બે ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી
ફાયરબ્રિગેડના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, દિવાલ કેવી રીતે ધારાશાઈ થઈ અને આ લોકો દિવાલ પાસે કેવી રીતે રહેતા હતા તે અંગે હજી જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડની ટીમ હાલમાં કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલો છે કે કેમ તે અંગે સર્ચ ઓપરેશન કરવાની કામગીરી કરી રહી છે.ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, અસારવા વિસ્તારમાં બેઠક નજીક દાદા હરી વાવની પાછળ જે રેલવે પેરેલ દિવાલ આવેલી છે તે ધરાશાહી થઈ છે અને કેટલાક માણસો દબાયા છે. જેથી ફાયર બ્રિગેડની બે ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. 
 
સ્થાનિક લોકોએ દટાયેલા લોકોને બચાવ્યા
ફાયરબ્રિગેડના અધિકારીઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલા જ સ્થાનિક લોકો દિવાલ નીચે જે દબાયા હતા તેમને બચાવવાની શરૂઆત કરી લીધી હતી.સ્થાનિક લોકોએ જે લોકો બહાર દેખાતા હતા તેમને તાત્કાલિક ખેંચી અને બહાર કાઢી લીધા હતા. 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી દીધી હતી. કુલ પાંચ લોકોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા. જેમાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા હતા. જ્યારે ત્રણ લોકો જીવિત હાલતમાં હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રેલવેની દીવાલ પાસે શા માટે આ લોકો બેઠા હતા ને ત્યાં રહેતા હતા કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર