વડોદરામાં બે યુવાનોને ચોર સમજીને ટોળાએ કર્યો હુમલો, એકનુ મોત થતા હાહાકાર

શનિવાર, 19 ઑક્ટોબર 2024 (12:28 IST)
વડોદરામાં ચોરોથી લોકો એટલા ડરી ગયા છે કે દરેક અજાણ્યા પર ચોર હોવાની શંકા થવા લાગી છે. આવી જ એક ઘટના ગઈકાલે બની હતી.  ગતરાત્રે વારસીયા વિસ્તારમાં ચા પીવા ગયેલા મિત્રોનું બાઇક બગડ્યું હતું. બાઇક રીપેર કરતી વેળાએ ટોળાએ ચોર સમજીને પાછળથી હુમલો કરી દીધો હતો. લોકોના ટોળાએ બે યુવકને પકડીને જાહેરમાં માર મારી વિડીયો વાયરલ કર્યો હતો. બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા એક યુવાનનું મોત નીપજ્યું છે.  અન્ય યુવક હાલ સયાજી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અન્ય એક યુવાન ટોળામાંથી બચીને ચાલ્યો ગયો હતો. પરિવારે મીડિયાને જણાવ્યું કે, અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ.   
 
વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે વિવિધ વિસ્તારોમાં રોજબરોજ ચોરીના બનાવો બનતા રહે છે. હવે તો લોકોએ પોતાના ઘરની આજુબાજુમાં પણ સીસીટીવી લગાવી દીધા છે. જેથી અનેક કિસ્સાઓમાં ચોર ટોળકીના સભ્યો કેદ થયા છે. તો બીજીબાજુ વડોદરા શહેર જિલ્લામાં આવા વીડિયો અન્ય જિલ્લાના હોવાનું જણાવી લોકોને અફવાથી દૂર રહેવા અને આવા કોઈ ચોર જણાઈ આવે તો તેઓને મારવા નહીં અને પોલીસને બોલાવીને સોંપી દેવા તેવી સલાહ આપવામાં આવી રહી છે. 
  
આ ઘટના અંગે મૃતક પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો છે. પરિવારજનોના કહેવા મુજબ આ ઘટના સમયે પોલીસ સ્થળ પર હાજર હતી. તેઓ ઇચ્છતા તો તેમને બચાવી શકાયા હોત. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વિકારીએ. જે પણ થયું છે, તેને ખોટું થયું છે. નગ્ન કરીને માર મારવામાં આવવાની ઘટના ખુબ જ દુખદ છે. વાયરલ વીડિયોમાં અમે જોયું કે, પોલીસ તે સમયે સ્થળ પર હાજર હતી. પોલીસ અધિકારી બચાવવાનો પ્રયત્ન નથી કરતા. પાછલા મહિનાથી ચોર ચોરનું ચાલી રહ્યું છે. ટોળું નિર્દોષ વ્યક્તિને પકડે એટલે તે ગભરાઇ જ જાય. તેવામાં આવા હાલ તો થવાના જ છે. જો આ અંગે યોગ્ય પગલા લેવામાં નહી આવો તો આ રીતે તો નિર્દોષ લોકો મરતા જ રહેશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર