મૃતક નિશારબાનુના પિતાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દીકરી નિશારબાનુના લગ્ન મોઇનખાન પઠાણ સાથે થયા હતા. તેમને લગ્ન જીવનમાં ત્રણ વર્ષનું બાળક છે. લગ્ન પછી મોઇનખાન કોઈને કોઈ બહાને મારી દીકરી સાથે ઝઘડો અને મારપીટ કરતો હતો. દીકરીનો પરિવાર સચવાઇ રહે તે માટે અમે તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી દેતાં હતાં. લગ્ન સમયે જમાઇએ બાઇકની માગણી કરતા તે પણ અપાવી હતી. છતાં તેની માગણીઓ સંતોષાઇ નહોતી અને તે રૂપિયાની માંગીને અમારી દીકરી સાથે ઝઘડા કરતો હતો. 3 મહિના પહેલાં મોઇને મારે 22 હજાર રૂપિયાની જરૂર છે તમે મને આ રૂપિયા નહીં આપો તો હું તમારી દીકરીને તમારા ઘરે મૂકી જઇશ મારી સાથે રાખીશ નહીં તેમ જણાવી જતો રહ્યો હતો. આમ દહેજની માંગણી ન સંતોષાતા મોઇન નિશારબાનુને હેરાન પરેશના કરતો હતો.
આ દરમિયાન ગત 27 જૂનના રોજ રાત્રિના 11.30થી 11.45 વાગ્યાની વચ્ચે નિશારબાનુએ તેના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે, 'પપ્પા, મને લેવા માટે આવો. નહીં તો આ લોકો મને મારી નાખશે. દીકરીની વાત સાંભળીને પિતા તાત્કાલિક તેના ઘરે જવા માટે નીકળ્યા હતા. આ સમયે નવાયાર્ડ બ્રિજ પાસે નિશારબાનુ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. તેને પકડતા માથામાંથી લોહી નીકળતું હતું. પિતાને આ અંગે નિશારબાનુએ જણાવ્યું કે, 'મારા પતિએ મને માથાના ભાગે લોખંડનો તવો મારી દીધો છે. જેથી ઇજાગ્રસ્ત દીકરીને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન સોમવારે મોડી રાત્રે તેનું મોત થયું હતું. જેને પગલે ગોરવા પોલીસે આ મામલે નવા કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે અને આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે.