યાસીન મલિકને આજીવન કેદ : કાશ્મીરને અલગ કરવા ભારત સામે હથિયાર ઉઠાવનાર અલગતાવાદી
ગુરુવાર, 26 મે 2022 (10:10 IST)
NIAની વિશેષ કોર્ટે કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકને 'ટેરર ફન્ડિંગ' મામલે દોષી ઠેરવ્યા છે. કોર્ટે યાસીન મલિકને આજીવન કેદની સજા સંભળાવી છે. અહેવાલો પ્રમાણે એનઆઈએ દ્વારા યાસીન મલિકને ફાંસીની સજા આપવાની માગ કરાઈ હતી.
સજા સંભળાવાઈ એ પહેલાં પટિયાલા હાઉસ કોર્ટની બહાર કડક બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
કાશ્મીરમાં ઉગ્રવાદનો પાયો જેકેએલએફે નાખ્યો હતો, જેમાં સેંકડો લોકો જોડાયેલા હતા, પરંતુ તે ચાર વ્યક્તિને કારણે જનતાની વચ્ચે લોકપ્રિય બન્યું હતું. આથી જ તેઓ HAJY જૂથ તરીકે ઓળખાતા હતા. આ ચાર શખ્સ હતા. હામીદ શેખ, અશફાક વાની, જાવેદ મીર તથા યાસીન મલિક.
માર્ચ-1990માં સુરક્ષાબળો સાથેની અથડામણમાં અશફાક વાનીનું 23 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું.
1992માં ભારતની અર્ધ-લશ્કરી સંસ્થા બીએસએફ (બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ)એ હામિદ શેખની ધરપકડ કરી હતી, પરંતુ પાકિસ્તાનતરફી 'હિઝબુલ મુજાહિદ્દીન' જેવાં સંગઠનો સામે તેમની ઉપયોગિતા જણાતી હોવાથી, તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. અમુક અઠવાડિયાં પછી એ જ વર્ષે નવેમ્બર મહિનામાં છ અન્ય સાથી સાથે ઍન્કાઉન્ટર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
6 ઑગસ્ટ, 1990ના ઘાયલ અવસ્થામાં મલિકની ધરપકડ કરવામાં આવી. તેમને દેશની અલગ-અલગ જેલોમાં રાખવામાં આવ્યા. બાદમાં બીમારીના કારણે તેમને છોડી દેવામાં આવ્યા.
યાસીન મલિક પર 60થી વધુ કેસ
1994ના મધ્ય ભાગમાં બીમારી સબબ છૂટ્યા બાદ મલિકે જેકેએલએફ તરફથી સંઘર્ષવિરામની જાહેરાત કરી, તેમનો ફાંટો જેકેએલએફ-વાય બન્યો.
રૂબિયા સૈયદના અપહરણ સમયે શ્રીનગરમાં ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા તથા આગળ જતાં વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન આઈબીના વડા એએસ દુલતના કહેવા પ્રમાણે, મલિક વર્તમાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની પણ નજીક છે.
2019માં કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા બંધારણના અનુચ્છેદ 370 તથા 35-અની નાબૂદી બાદ જેકેએલએફના યાસીન ફાંટાને 'આતંકવાદી સંગઠન' જાહેર કરવામાં આવ્યું હતું.
આ વિશેના જાહેરનામા પ્રમાણે, યાસીન મલિકની સામે 60થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાં દેશદ્રોહ, ટાડા, રણબીર દંડ સંહિતા હેઠળ હત્યા, હત્યાના પ્રયાસ તથા હથિયારધારાના ગુનાનો પણ સમાવેશ થાય છે. જ્યારે તેમના સંગઠન સામે 100થી વધુ કેસ નોંધાયેલા છે. જેની તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસ, સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તથા એનઆઈએ (નેશનલ ઇન્વેસ્ટિગેશન) કરી રહી છે.
મલિકની ઉપર 1990માં ભારતીય વાયુદળના ચાર અધિકારીઓની હત્યા તથા અન્યોને ઈજા પહોંચાડવાનો કેસ પણ સામેલ છે. જેમાં આરોપનામું ઘડાઈ ગયું છે તથા અન્ય કેસ અલગ-અલગ તબક્કામાં છે.
ખીણપ્રદેશમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત માટે જેકેએલએફ, યાસિન મલિક અને બિટ્ટા કરાટે વગેરેને જવાબદાર માનવામાં આવે છે.