શરમ કરે સરકાર!!! સુવિધા અને આરોગ્યની બસ મોટી મોટી વાતો, તમે પણ જાણી લો કેવી છે હકિકત

શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (09:15 IST)
થોડા કેટલાક દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે ઠંડી લાગે છે જ્યારે દિવસ દરમિયાન ઉકળાટ થાય છે. આ ઉપરાંત વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આ મિક્સ વાતાવરણના લીધે બિમારીએ બાળકોને બાનમાં લીધા છે. ત્યારે જામનગરમાં વધતા જતા રોગચાળાએ તંત્રનો આયનો બતાવ્યો છે. જામનગરની જાણિતી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. જેના લીધે એક બેડ પર બે થી વધુ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાકાળમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે પડેલી સમસ્યામાંથી બોધપાઠ લીધા બાદ પણ સ્થિતિ જૈસે થે જેવી જ છે. 
 

રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેના કારણે જામનગરની જીજી હોસ્પિટલમાં બાળદર્દીઓ સહિતના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં એક બેડ પર બે-બે બાળકોને રાખીને સારવાર આપવી પડી રહી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની જામનગરમાં આવેલી સરકારી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં ઘણાં સમયથી OPD વધી છે. સેંકડો દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવા પડી રહ્યા છે. 
 
જી.જી. હોસ્પિટલમાં હજુપણ વાતાવરણને લઇને બાળદર્દીઓની સંખ્યામાં ઘણી વધુ છે, શુક્રવારે 211 બાળદર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જયારે ઓપીડી કેસમાં પણ અસંખ્ય બાળકો આવે છે, જે બાળકોની હાલત ખરાબ કે ચિંતાજનક હોય છે તેને દાખલ કરવામાં આવે છે, નોર્મલ બાળકોને દવા આપીને રજા આપી દેવામાં આવી રહી છે.
 
હોસ્પિટલ સત્તાવાળાઓએ રોગચાળાનાં એંધાણ અગાઉથી પારખ્યા નહીં, હોતી હૈ ચલતી હૈ માનસિકતા ધરાવતાં સત્તાવાળાઓને કારણે આજે બાળદર્દીઓને બાળકોનાં વોર્ડમાં એક-એક બેડ પર બે-બે બાળકોને સારવાર આપવી પડી રહી છે. શહેર અને જિલ્લામાં રોગોનું પ્રમાણ ખાસ કરીને વાયરલ બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, તો પણ અત્યાર સુધી હોસ્પિટલ તંત્ર ઊંઘી રહ્યું હતું. અને હવે બાળકો માટે વધારાનાં અલાયદા વોર્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની સરકારી વાતો કરી રહ્યાં છે.
 
હોસ્પિટલમાં આવી સ્થિતિ ઊભી થઈ ત્યાં સુધી આગોતરૂ કોઈ આયોજન શા માટે ન કર્યું? એ એક મોટો સવાલ છે. માત્ર બાળદર્દીઓની સંખ્યા જ નથી વધી રહી, છેલ્લાં ઘણાં સમયથી પુખ્ત વયના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છતાં હોસ્પિટલ તંત્ર પોતાની મદમસ્ત ચાલમાં વ્યસ્ત છે. જેના કારણે જામનગર શહેર અને જિલ્લાના હજારો દર્દીઓ જીજી હોસ્પિટલમાં વિવિધ પ્રકારની હાલાકીઓનો સામનો કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ વર્ગના દર્દીઓને પૂરતી અને યોગ્ય સારવાર મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર