ટ્રમ્પ ભલે પધાર્યા પરંતુ આ દિવાલ અમને નથી મંજૂર, 2 દિવસથી મહિલા ભૂખ હડતાળ પર

બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (14:33 IST)
અમદાવાદ આમ તો સ્માર્ટ સીટી કહેવાય છે પરંતુ એરપોર્ટથી ઈન્દીરાબ્રીજ સુધીના વિસ્તારમાં આવેલ સરણીયા વાસ કે જ્યા ગરીબો તેમની ઝુંપડપટ્ટી બાંધીને રહે છે. તેઓ વિદેશી મહેમાનોની નજરમાં ન આવે તે માટે આ દીવાલ બનાવી તેમને ઢાંકવામાં આવી રહ્યા છે. હાંસોલ ગામથી શરૂ કરવામાં આવી ગરીબીની દીવાલ છેક ઈન્દીરાબ્રીજ સુધી પહોંચી છે. 7 ફૂટ ઊંચી દીવાલ 1 કિમિના અંતરમાં બનાવામાં આવી છે. જેથી ગરીબોની દીવાલ પાછળ ઝુંપડા ઢંકાઈ જાય અને સ્માર્ટ સીટીની આબરૂ વિદેશી મહેમાન સામે બચી જાય. ત્યારે હવે આ મામલે સામાજિક કાર્યકર્તાઓ મેદાને આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક દિવાલ બનાવવા મુદ્દે મહિલા સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી રહી છે. 2 દિવસથી મહિલા સામાજિક કાર્યકર્તાઓ ભૂખ હડતાળ પર બેઠા છે. મહત્વનું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસને લઇને સરણ્યા વાસની સામે આ દિવાલ બનાવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસને લઈને અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા આ કારસ્તાન કરવામાં આવ્યું છે. આ ગરીબીની દીવાલ પાછળ સરણીયા વાસ વિસ્તાર છે. જ્યાં 1000થી વધુ ગરીબ લોકો વસવાટ કરે છે. રોજ કમાઈને રોજ ખાતા આ ગરીબ લોકો ચૂંટણી સમયે વોટ પણ સરકારને જ આપે છે. આ લોકોને ઢાંકવા પાછળનો વાંક એ જ છે કે તમામ ગરીબ છે જે કોર્પોરેશન તંત્ર દ્વારા 7 ફૂટ ઊંચી દીવાલ બનાવી તેમને ઢાંકવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધી પાણી ગટર જેવી કોઈ પણ સુવિધા આપવામાં આવી નથી. અમદાવાદને આમ તો સ્માર્ટ સીટીનો દરજ્જો મળ્યો છે અને એજ સ્માર્ટ સીટીની ખરી વાસ્તવિકતાને ઢાંકવા આ દીવાલ ઉભી કરવામાં આવી છે ત્યારે આ દીવાલથી ચોમાસામાં અનેક સમસ્યાઓનો સામનો સ્થાનિકોએ કરવો પડશે. ત્યારે હવે આના વિરોધમાં કેટલીક મહિલા કાર્યકરો આવી છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર